Detailed Articles

Stayed recently at Nisargopachar Kendra ? Tell the world about your experience !

નિસર્ગોપચાર : એક સ્વાનુભવ

નિસર્ગોપચાર આજકાલ ખૂબ જ પ્રચલિત થતો જાય છે. જોકે, આ ખૂબ જ જૂનો અને જાણીતો ઉપચાર છે. આપણા શાસ્ત્રોમાં તો એનો ઉલ્લેખ છે જ. જૂના જમાનામાં તો એ સર્વમાન્ય હતો જ. પરંતુ સમયનાં વહેણ જોડે બધુ જ બદલાતું ગયું. એમાં નિસર્ગોપચાર પણ અપવાદરૂપ રહ્યો નહીં.

અત્યાર સુધીમાં આ વિષે ઘણું લખાયું છે. લોકોએ વાંચ્યું પણ છે, અને એના પ્રયોગો પણ કર્યા છે. એના લાભાલાભો, સારાં-નરસાં પાસાઓ અને રોજિંદા જીવનમાં આચરણ માટે વ્યાવહારિક સૂચનો વારંવાર અપાતાં જાય છે. મારો અનુભવ લખવા પાછળ એક જ આશય છે તે એ કે મારા જેવી કોક વ્યક્તિને એ કાંઈક માર્ગદર્શન આપી શકે. ઘણી વખત ટૂંકા રસ્તા અપ્નાવી, જલ્દી જલ્દી સારા થઈ જવાની ઈચ્છા (કે ઘેલછા)માં મૂળભૂત તત્ત્વો ભૂલાઈ જતાં હોય છે. જેને કારણે જલ્દી સારા થવાને બદલે ઉલ્ટાનું વધારે લંબાતુ હોય છે. એટલું જ નહીં પણ ઘણીવાર એનાં અંતે એટલે કે, જલ્દી સારા કરવા માટે કરાતા પ્રયોગોને અંતે, આખી જિંદગી માટે કોઈક દવાનું બંધન લાગી જતું હોય છે અથવા કોઈક નવી જ બિમારી ઘર કરી જતી હોય છે.

એક બીજું અગત્યનું પાસું એ છે કે, કોઈપણ વ્યક્તિની તંદુરસ્તી ફક્ત શરીરની સ્વસ્થતા પર જ આધાર રાખતી નથી. મનનું સ્વાસ્થ્ય પણ એટલો જ અગત્યનો ભાગ ભજવે છે. જેને અંગ્રેજીમાં Mind-Body Complex કહેવામાં આવે છે. આ શારીરિક અને માનસિક એ બંને સ્વાસ્થ્ય એકબીજા ઉપર જ આધારિત છે. શરીર તંદુરસ્ત હશે તો મન પણ દુરસ્ત રહેશે, અને મન જો દુરસ્ત હશે તો શારીરિક તંદુરસ્તી સહજતાથી જાળવી શકાશે. દુરસ્ત મનવાળી વ્યક્તિની રોગ કે માંદગી સામેની પ્રતિકારક શક્તિ અદ્ભૂત હોય છે. આ નિસર્ગોપચારમાં શરીર અને મન, એ બંનેને નીરોગી-તંદુરસ્ત બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. રોગને લગતા ઉપચારોની સાથે સાથે મનને પણ પ્રફૂલ્લિત, તંદુુરસ્ત રાખવાના ઉપચારો-જેવા કે કુદરતી વાતાવરણ, યોગ, પ્રાર્થના વગેરે પણ કરવામાં આવે છે.

હવે મારી જ વાત કરું. મને 2004નાં ફેબ્રુઆરી માસથી પાછળ વાંસાની ડાબી બાજુએ મધ્યમાં દુ:ખાવો ચાલુ થયો. જે આગળ છાતીની નીચે સુધી આવતોે હતો. આના આગલા જ વર્ષે મને L4-L5 મણકા વચ્ચે Slip-disc થઈ હતી. તે વખતનાં M.R.I.નાં રિપોર્ટ પ્રમાણે તો ઓપરેશન કરાવવું પડે એવું હતું. છતાં કેટલાક ડાક્ટર મિત્રો તથા કુટુંબીજનોનાં દબાણને વશ થઈ, ત્રણ મહિના સંપૂર્ણ આરામ અને જરૂરી દવા લઈ, ઓપરેશન ટાળવા પ્રયત્નો કર્યા. ઓપરેશન તો ન છૂટેક જ કરાવવું, એવો બધાનો જ અભિપ્રાય હતો. અને ભગવાનની મહેરબાનીથી ડાક્ટર મિત્રોના માર્ગદર્શનથી અને કુટુંબીજનોનાં સાથ-સહકારથી, એ મોટી ઉપાધિમાંથી તો ઊગરી ગઈ. એટલે જેવો આ વાંસાનો દુ:ખાવો ચાલુ થયો કે, પહેલો અભિપ્રાય હાડકાના ડાક્ટર પાસે જ લેવામાં આવ્યો. તપાસ કરતા જણાવાયું કે, આ દુખાવાને હાડકા કે મણકા સાથે કોઈ જ સંબંધ નથી. કોઈક મુખ્ય Nerveનું જ્યાં End-Point આવે છે એના પર દબાણ આવતા આ દુ:ખાવો થાય છે. જે વાંસાથી માંડીને આગળ છાતીની નીચે સુધી જાય છે. એટલે કોઈક સારા Neurophysicianને બતાવવા જણાવાયું. જરા વધારે ચકાસણી કરવા અમારા કાયમના, ખૂબ જ જૂના, જાણીતા અને અનુભવી એવા Consultant Physicianને બતાવવાનું જરૂરી લાગ્યું. એમના કહેવા પ્રમાણે આ દુ:ખાવાને Nerveજોડે કોઈ જ સંબંધ નથી, આ બધાં પરસ્પર વિરોધી અભિપ્રાયોને લઈને તથા બીજી પણ નાની-મોટી તકલીફોને ધ્યાનમાં લઈ, માથાથી-પગ સુધીનો સંપૂર્ણ ચેક-અપ કરાવવાનું નક્કી કરાયું. એમાં જાતજાતની Tests જેવી કે M.I.R, Scan, Sonography, Digital, X-Rays,જાતજાતની-લોહી, પેશાબ તથા ઝાડાની-Testકરાવી. પૈસાનું પાણી થયું જ પણ આટલી બધી તપાસને અંતે  કહેવાયું તો એક જ કે, મને કંઈ જ રોગ નથી. કોઈ Orthopaedic કે Neurological problem પણ નથી. જે દુ:ખાવો થાય છે, એ ક્યાં તો મારે આખી જિંદગી સહન કરવો અથવા Pain-killer દવાઓથી મટાડ્યા કરવો. આ દુ:ખાવાને કાયમને માટે મટાડવાની કોઈ જ દવા એલોપથીમાં નથી.

અહીં એ ઉલ્લેખનીય છે કે, મારા પૂ.માતુશ્રીને પણ આ જ રીતનાં દુ:ખાવા, ધીમે ધીમે વધીને આખા શરીરે થતા હતા. જેને લઈને જીવનનાં છેલ્લાં ચાલીસ વર્ષ એમને ખૂબ જ દુ:ખ સહન કરવું પડ્યું હતું. આ ડિસેમ્બર, 2005 માં જ 87 (સત્યાસી) વર્ષની ઉંમરે એમનો દેહાંત થયો. છેલ્લાં ચાલીસ વર્ષ એમને અતિશય શારીરિક પીડા સહન કરવી પડી હતી, અને શરીરની પીડાની માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય જ. ઉંમર સાથે વ્યકિતની દવા ખાવાની અથવા જીરવવાની શક્તિ પણ ઘટતી જતી હોય છે. એટલે દુ:ખ સહન કરવા સિવાય બીજો ઉપાય જ નથી રહેતો. મેં આ મારી નજરે જોયું છે અને જાણ્યું છે. લાચાર ભાવે, ખૂબ જ અનુકંપા સાથે, આંસુભીની આંખે, મારી માને દુ:ખ સહન કરતાં મેં જોઈ છે. બિલકુલ અસહાય હાલત જોઈને હ્રદય કંપી ઊઠે પણ કશું જ કરી ન શકાય. શું મારે માટે પણ આ જ રીતે, સહન કરવાનું આવશે! એવો સવાલ ઊઠે, એ બિલકુલ સ્વાભાવિક છે.

ઉપર વર્ણવેલા અહેવાલ મુજબ તો, મારે જે કોઈ દુ:ખાવા થાય છે, તે સહન થાય ત્યાં સુધી સહન કરવા અને ન થાય ત્યારે Pain-killerઆધાર લેવો, એવું તારણ નીકળ્યું. આ મને કોઈપણ સંજોગોમાં માન્ય ન હતું. એટલે મેં અને મારા પતિ, ડો. દિલિપ દેસાઈએ નક્કી કર્યું કે, આને માટે આપણે Integrated Approach લેવો જરૂરી છે. જેમાં કુદરતી ઉપચાર, યોગ, કસરત જરૂર જણાય ત્યાં આયુર્વેદિક અથવા એલોપેથિક દવા વગેરેનો ઉપયોગ કરી સારા થવું.

આવું નક્કી કરીને, બધા જ રિપોર્ટ લઈને અમે વિનોબા આશ્રમ, ગોત્રી ખાતેના નિસર્ગોપચાર કેન્દ્રમાં આવ્યાં. આ કેન્દ્રમાં નિસર્ગોપચાર તથા એલોપથીના અભ્યાસુ ડાક્ટરો તથા યોગ અને આયુર્વેદ ક્ષેત્રે અનુભવી વ્યક્તિઓ સેવા આપે છે. શરીર-શુધ્ધિ સાથે મનની શુધ્ધિ એ સારવારનું મુખ્ય પાસું છે. કુદરતી ઉપચારો, યોગ, પ્રાર્થના ઉપરાંત જરૂર પડે વનસ્પતિ ઔષધો કે ઈમર્જન્સીમાં એલોપેથીની દવાઓનો ઉપયોગ કરી સમન્વયકારી તથા વૈજ્ઞાનિક અભિગમ (Integrated and scientific approach)થી દર્દીની સારવાર કરવી એ આ કેન્દ્રનું આગવું પાસું છે. કેન્દ્રના ડાક્ટરે બધા રિપોર્ટનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. મારી વિગતવાર શારીરિક તપાસ કરી. ત્યારબાદ પહેલી જ વખતે મને એમણે ખૂબ જ વિશ્વાસ સાથે કહ્યું કે, ‘‘તમારા દુ:ખાવા શાના છે, એ મને ખબર છે. અને એને કાયમને માટે મટાડવાનું શક્ય છે.’’ એ માટે  મારે એમણે બતાવેલ ઉપચાર ત્રણ મહિના સળંગ કરવા પડશે. તથા ઓછામાં ઓછું એક મહિના માટે કેન્દ્રમાં એમની દેખરેખ નીચે ઉપચાર કરાવવો અને બાકીના બે મહિના, ઘરે ગયા પછી પણ જેટલી વસ્તુઓ ઘરે રહીને થઈ શકે, એટલી ચાલુ રાખવી. તો ત્રણ મહિનામાં મને સંપૂર્ણ આરામ થઈ જશે. મારે એને માટે કોઈ જ દવા ખાવાની પણ જરૂર નહીં પડે. આટલી ખાતરીપૂર્વકની સલાહથી હું તરત જ કેન્દ્રમાં એક મહિના માટે દાખલ થઈ ગઈ.

નિસર્ગોપચાર કેન્દ્રમાં દાખલ થઈ, તે વખતે મારા દુ:ખાવા ઉપર વાંસાનાં મધ્યમાંથી છાતીની નીચે સુધી તો હતા જ, પણ ધીમે ધીમે પગના નળામાં, ઘૂંટણમાં, જાંધમાં અને ઉપર ગરદન પાસે પણ ચાલુ થયા હતાં. વારંવાર અસહ્ય બનતા મારે દર અઠવાડિયે એક-બે વખત Combiflam જેવી Pain-killer દવા લેવી પડતી હતી. અડધો કિ.મી. ચાલતા પણ થાકી જવાતું હતું. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ લાગતો હતો. ઘરનું સાધારણ કામ પણ એક-બે કલાકથી વધારે કરતાં થાક લાગતો હતો. હાથે-પગે ઝણઝણાટી તથા કમરમાં પણ દુ:ખાવો રહેતો હતો.

નિસર્ગોપચાર કેન્દ્રમાં દાખલ થતાં આખી જીવનશૈલી બદલાઈ ગઈ. સવારે છ વાગ્યે ભજનનાં સૂર સાથે ઊઠવાનું, 6:30 થી 8:00 સુધી યોગ કરવાનો, ત્યાર બાદ ચ્હાને બદલે આદુ-તુલસી વગેરેનો ઉકાળો પીવાનો, પછી એક કલાક ચાલવાનું. ત્યારબાદ 9:30 થી 11:30 સુધીમાં ઉપચાર કેન્દ્રમાં જઈ જુદા જુદા ઉપચાર કરાવવાનાં. દરેકને માંદગી/તકલીફ પ્રમાણે ઉપચાર કરાવવાનાં હોય છે. મારે માટે અઠવાડિયામાં બે-ત્રણ દિવસ એનિમા, રોજ જ દુ:ખાવાની જગ્યાઓ પર નગોળનો શેક, થોડા દિવસો બાદ દુ:ખાવાની જગ્યાએ તલનાં તેલથી માલિસ, ત્યારબાદ તરત જ સ્ટીમ-બાથ અને પછી નાહી-ધોઈને 12 વાગ્યે બપોરનું ભોજન. ભોજનમાં ભરપૂર કાચાં કચુંબર અને બાફેલાં શાકભાજી. સાથે એકાદ વસ્તુ-રોટલી, થૂલી, ખીચડી જેવું મર્યાદિત માત્રામાં ખાવાનાં. ખૂબ હલકો ખોરાક ખાવાથી પાચનક્રિયાને ઓછામાં ઓછી તકલીફ આપી શરીરની પોતાની પુન: સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની ક્ષમતાને પોતાનું કામ વધુ સારી રીતે કરવા દેવું એ આવા ખોરાકનો આશય હોય છે. ત્યારબાદ 12:30 થી 2:00 આરામ કરવાનો. ત્યારબાદ આંખો, પેટ તથા પેઢુ ઉપર માટીની પટ્ટી મૂકી અડધો કલાક રાખવાનું, પછી તકલીફવાળી જગ્યાઓ ઉપર ભીનાં કપડાંની સાથે એની ઉપર ઊનનાં પટ્ટાના લપેટ લગાવી, એક કલાક રાખવાના. આ બંને ઉપચારથી શરીરનાં અને ખાસ કરીને પીડા આપતા અંગોમાં રહેલા Toxins દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારબાદ ફરીવાર સવાર જેવો જ તુલસી-આદુ વગેરેનો મજેદાર ઉકાળો 4:15 વાગ્યે પીવાનો. ચ્હા-કોફી કયાં ભૂલી જવાય છે, તેની પણ ખબર પડતી નથી. પહેલાં બે-ત્રણ દિવસ ચ્હા-કોફી જરૂર યાદ આવે, પછી તો ટેવ જ છૂટી જાય છે. એ પછી 4:30 થી 5:30 સુધી તમારી તકલીફ પ્રમાણેની કસરતો/ઉપચાર જેવા કે એક્યુપ્રેસર, વાઈબ્રો મસાજ, મેગ્નેટ, લોકલ-સ્ટીમ, સાઈકલીંગ વગેરે કરવાનાં. પછી 5:30 થી 6:00 ફરી યોગ કરવાનો. તમારી તકલીફને ધ્યાનમાં રાખી અમુક જ આસનો સાંજે કરવાનાં હોય છે. એ માટે જુદા જુદા ગ્રુપમાં બધાંને વહેંચી દેવામાં આવે છે. આ પછી 6:00 વાગ્યે સાંજનું ભોજન. એમાં સૂપ તથા ફળો પુષ્કળ પ્રમાણમાં ખાવાની છૂટ હોય છે. પણ સાથે સ્વાદ માટે મળતી એક વાનગી જેવી કે-મુઠિયાં, ભાજીનાં થેપલાં, વેજીટેબલ પુલાવ વગેરે ખૂબ જ  મર્યાદિત માત્રામાં જ ખાવાના હોય છે. અહીં એ નોંધનીય છે કે, દરેક દર્દીને એમની માંદગી/તકલીફને ધ્યાનમાં રાખીને જ, દરેક દર્દી માટે અલગ અલગ ઉપચારો તથા ખોરાક-જેમાં કડવો ઉકાળો, બપોરનું ભોજન તથા રાત્રીનું ભોજન પણ આવી જાય તે-અપાય છે. જમ્યા બાદ એક કલાક તમારા પોતાને માટે હોય છે. ચાલવું, વાંચવું, પ્રાર્થના કરવી, ગપસપ કરવી વગેરે જે કાંઈ કરવું હોય તે કરી શકાય. ત્યારબાદ 7:30 થી સમૂહ પ્રાર્થના જે કોઈક વાર અડધો કલાક તો કોઈક વાર વધારે સમય સુધી પણ ચાલે. આ પછી બધાએ છૂટાં પડવાનું. બાકીનો સમય વ્યકિતગત પ્રવૃત્તિ માટે હોય છે. આમ સવારે 6:00 થી રાત્રે 10:00 સુધીનો સમય ખૂબ જ સરસ રીતે પસાર થઈ જાય.

મારા દુ:ખાવામાં તો પહેલાં અઠવાડિયાથી જ  રાહત થવા લાગી. બીજું અઠવાડિયું જતાં તો લગભગ 50 થી 60 ટકા ફેર પડી ગયો. રોજ ત્રણથી-ચાર કિલોમીટર ચાલવાનું શરૂ થઈ ગયું. શરીરમાં સ્ફૂર્તિ આવવા લાગી. ધીમે ધીમે જીવનમાં તાજગી અને શક્તિનો સંચાર થતો અનુભવવા માંડ્યો. એમ મહિનાને અંતે તો મારાં 80 ટકા દુ:ખાવા મટી ગયા. શરીર પણ વધારે સુડોળ અને શકિતશાળી થવા માંડ્યું. વજન ઘટાડવાનું મારું પ્રયોજન ન હતું, છતાં 2-3 કિલો વજન પણ ઘટી ગયું.

મેં એક મહિના બાદ ઘરે આવીને પણ શક્ય હોય તે બધું જ  ચાલુ રાખ્યું, જેવું કે સવારે વહેલા ઊઠવાનું, કડવો ઉકાળો પીને એક કલાક ચાલવાનું, એક કલાક યોગ કરવાના, સવારે એક વાગ્યે અને સાંજે સાત વાગ્યે કેન્દ્રમાં ખાતા હતા એવો જ ખોરાક લેવાનો અને રાત્રે દસ-સાડા દસે સૂઈ જવાનું. આટલાં વર્ષોની ચ્હાની આદત પણ કયાં છૂટી ગઈ એ ખબર ના પડી. ઘરે પણ સવાર-સાંજ ઉકાળો અને સાત્વિક નાસ્તો કરવાની ટેવ ચાલુ રાખી. કોઈક વખત કાંઈક ચટાકેદાર ખવાઈ જાય, પણ શક્ય એટલો સાદો અને સાત્વિક ખોરાક લેવાનું ચાલુ રાખ્યું. આ બધાંથી ત્રણ મહિનાને અંતે મારા બધા દુ:ખાવા દૂર થઈ ગયા. એટલું જ નહીં પણ ઘણી દવાઓ પણ છૂટી ગઈ. વળી જીવનમાં તાજગી, ઉત્સાહ અને શક્તિ જે છેલ્લાં વર્ષથી ચાલી ગઈ હતી, તે ફરી આવી ગયાં. મ્હોં પર લાલાશ અને Freshness આવી ગયા. મારા બ્લડમાં Thyroid જે બોર્ડર લાઈન પર હતો તેમાં પણ નોરમલ પર આવી ગયા.

આમ એક વર્ષની મારી તકલીફો પહેલા એક મહિનામાં મોટા ભાગની દૂર થઈ, જ્યારે બાકીના બે મહિનામાં તો બિલકુલ ચાલી ગઈ. વળી મને ખાતરી આપવામાં આવી છે કે જો હું એમના માર્ગદર્શન મુજબ અને ઉપર દર્શાવ્યા મુજબ આહાર-વિહારનું નિયંત્રણ ચાલુ રાખીશ તો મને ભવિષ્યમાં પણ ફરી આ તકલીફ નહીં થાય. એને માટે જરૂરી ફોલો-અપ કરાવતા રહેવું. વખતોવખત એમાં જરૂરી ફેરફાર પણ એમની સૂચના મુજબ કરાવતા રહેવું. પરંતુ જો એમાં ઢીલ મુકાય તો ફરી પાછા હતા ત્યાં ને ત્યાં જ આવી જવાય.

કેન્દ્રમાં ઘણી વ્યકિતઓએ આ હકીકત વર્ણવી હતી. જેઓ એકવાર ઉપચાર કરાવી સારા થઈ ગયેલા, પરંતુ ઘરે ગયા બાદ, ચીલાચાલુ જીવનસરણી ચાલુ થઈ જતા, ફરી પાછી તકલીફો શરૂ થઈ ગયેલી. એટલે ફરી વાર ઉપચાર માટે આવવું પડેલું. એટલે ઘરે ગયા પછી પણ જીવનશૈલી કેન્દ્રના ડાક્ટરની સલાહ મુજબ ચાલુ રાખવી, એ ખૂબ જ અગત્યનું છે.

આમ, નિસર્ગોપચારના મુખ્ય આધારસ્તંભ એવા આહાર અને વિહારનું નિયંત્રણ તથા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખતાં યોગ, મેડીટેશન અને કસરતો ઘણી તકલીફોમાંથી કાયમનો છૂટકારો અપાવી શકે છે. એને માટે જરૂરી છે ફક્ત સજાગ પ્રયત્નો અને ચીવટાઈભર્યું આચરણ. તંદુરસ્ત રહેવા માટે આટલું તો જરૂર કરી શકીએ. Alternative Therapyને વધારે પ્રોત્સાહન આપી વધારે લોકભોગ્ય બનાવીએ.

('અખંડ આનંદ' માંથી સાભાર)

ડો. પ્રતિમા દેસાઈ
2006

નિસર્ગોપચાર : એક સ્વાનુભવ

નિસર્ગોપચાર વિશે ઘણું વાંચેલ અને સાંભળેલ..તેથી મનમાં આછો ખ્યાલ હતો જ કે નિસર્ગોપચાર એટલે ઉપવાસ, રસાહાર, ફળાહાર કે સાદું ભોજન, માલિશ, શેક કે માટી વિગેરે દ્વારા થતો ઉપચાર…..આટલો પ્રાથમિક ખ્યાલ મારી માફક લગભગ બધાના મનમાં હોય જ એ સ્વાભાવિક છે. જોકે સાવ પ્રામાણિકપણે કહું તો મારા મનમાં એવી કોઇ ખાસ શ્રધ્ધા નહોતી. છતાં ફાયદો થાય કે નહીં..નુકશાન તો નહીં જ થાય..અને કંઇ નહીં તો એક નવો અનુભવ તો મળશે જ…અને દસ દિવસમાં બે ચાર ટકા પણ ફરક પડે તો કશું ખોટું નહીં..એવી ગણતરીથી મનમાં થોડું કૂતુહલ,થોડી શ્રધ્ધા,થોડી અશ્રધ્ધા એવા અનેક તર્ક, વિતર્ક સાથે હું બરોડા..ગોત્રીમાં અવેલ વિનોબા નેચર કયોર આશ્રમમાં દાખલ થઇ. જતાની સાથે જ શારીરિક સ્થિતિની જાણકારી માટે..રોગ વિશેની માહિતિ માટે ત્રણ, ચાર પાનાનું એક ફોર્મ ભરવાનું આવ્યું. જાણે પરીક્ષાનું પેપર હાથમાં આવ્યું. એક પછી એક પ્રશ્નો ભરતી ગઇ. બે ચાર અઘરા લાગતાં પ્રશ્નો ઓપ્શનમાં છોડી પણ દીધા..( પરંતુ માર્કસ ન કપાયા ) આપણા પોતાના શરીર વિશે આપણી પાસે કેટલી અધૂરી જાણકારી છે તેનો અહેસાસ આ પ્રશ્નપત્રે કરાવ્યો. હવે ફોર્મ હાથમાં લઇ અંદર જવાનું હતું. ત્યાં પહેલી મુલાકાત અહીંના ડોકટર કમલેશભાઇ સોલંકી સાથે થઇ.શાંત, સરળ, લગભગ પાંત્રીસની આસપાસની ઉમર…અને ચહેરા પર સતત રમતું સ્મિત..દર્દીના મનમાં થોડો વિશ્વાસ જરૂર જગાવી જાય. ભરેલું ફોર્મ કમલેશભાઇના હાથમાં આપ્યું. કમલેશભાઇ એક પછી એક પ્રશ્ન પર..હકીકતે જવાબ પર નજર નાખતા જાય અને જરૂર લાગે ત્યાં પૂછપરછ કરતા જાય.ચહેરા પરનું સ્મિત આછું કે ઘેરું થતું જાય..પણ ગેરહાજર તો ન જ થાય તેથી મનમાં જાગેલી ધરપત અકબંધ રહે.

તેમણે જરૂરી ઉપચાર સૂચવ્યા. ફોર્મમાં લખ્યા અને પછી અંદર બીજી કેબિનમાં મોકલ્યા. હવે પ્રાથમિક ડર ઓછો થઇ ગયો હતો. હાથમાં આંસરશીટ લઇ અંદર ગયા .( સાથે મારી ખાસ બહેનપણી મીનાક્ષીબહેન ચન્દારાણા હતા. જેમના સ્વાનુભવની વાત સાંભળીને જ હું અહીં આવવા પ્રેરાઇ હતી. ) અહીં બેઠા હતા…ડોકટર ભરતભાઇ..એકદમ શાંત ગંભીર મુખમુદ્રા..ધીરગંભીર ઋષિ જેવા વ્યકતિત્વનો અનુભવ થાય. કવિ શ્રી રાજેન્દ્ર શુકલની યાદ આવી ગઇ. અહીં શાંત, ગંભીર બનીને ડાહી ડાહી વાતો જ કરાય એવું પ્રથમ દર્શને લાગ્યું. તેમણે બહું સરળતાથી પ્રશ્નો પૂછયા. સૂઝયા તેવા જવાબ આપ્યા. પાસ તો થવાશે ને ? એવી આશંકા સાથે… ત્યાં ધીમેથી પ્રશ્ન આવ્યો,’ ફળાહાર પર રહી શકશો ? ‘ એવી જ શાંતિથી જવાબ આપ્યો,’ હા જી, ચોક્કસ..’ ભરતભાઇએ ફોર્મમાં જરૂરી ઉપચારો લખ્યા. પાછળથી જાણ થઇ કે શ્રી ભરતભાઇ એલોપેથીમાં જ ભણેલ છે. અને પીડીયાટ્રીશીયન છે. એમ.બી.બી. એસ. અને ડી.સી.એચ. કરેલ છે. આ જાણકારી મનને મોટી રાહત આપી ગઇ કે હાશ અહીં કોઇ ઉંટવૈદુ તો નહીં જ થાય..એલોપેથીનો કોઇ વિરોધ અહીં નથી. જરૂર લાગે ત્યાં લોહીના રીપોર્ટ, કે એમ.આર.આઇ..વિગેરે બધી તપાસ કરવામાં આવે જ છે. જોકે સામાન્ય રીતે અહીં બધેથી થાકી, હારીને મેડીકલ રીપોર્ટોની ફાઇલો સાથે લઇને જ લોકો આવતા હોય છે. તેથી એવી ખાસ જરૂર પડતી નથી. પરંતુ ગમે તે વ્યક્તિ નહીં.પરંતુ એક કવોલીફાઇડ ડોકટર બધા રીપોર્ટ ચેક કરે છે તે વાત દર્દીના મનમાં એક હાશકરો જરૂર જગાવી જાય છે.

હવે હું પ્રવેશી રૂમ નંબર બે માં. વાતાવરણ શાંત, ચોખ્ખું..સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી. જરૂરી બધી જ સગવડ રૂમમાં હતી.રૂમમાં ભક્તિસંગીતના ધીમા, મીઠા સ્વરો રેલાઇ રહ્યા હતાં. ગૂગળના ધૂપની સુવાસ પ્રસરી રહી હતી. સામે નિયમો, સૂચનો અને ટાઇમટેબલ લખેલ ચાર્ટ પર નજર નાખી.

આમ નેચર કયોર આશ્રમની દસ દિવસ માટેની હું સદસ્ય બની. હવે એક નજર અહીંની દિનચર્યા પર…. સવારે બરાબર પોણા છ વાગ્યે ઉઠવાના એલાર્મ તરીકે ધીમું સંગીત રૂમના સ્પીકરમાંથી રેલાયું. ઉઠીને ફ્રેશ થયા. ત્યાં સવા છ વાગ્યે આશ્રમનો બેલ વાગ્યો. અમારે ઉષ:પાન માટે ડાઇનીંગ હોલમાં જવાનું હતું. કોઇને ભાગે લીંબુ પાણી અને મધ હતા. કોઇને પલાળેલી મેથી અને ગરમ પાણી તો કોઇને ભાગે ખાલી ગરમ પાણી..જેવી જેની શારીરિક જરૂરિયાત. રસોડાના અનિતાબહેન જેશ્રીકૃષ્ણ કહી એક મન્દ હાસ્ય સાથે સૌને આવકારતા જાય અને પોતાની પાસે રહેલ ચાર્ટમાં જોઇ જે લખેલ હોય તે સૌને આપતા જાય. મારા ભાગમાં આવેલી પલાળેલી મેથી થોડું કટાણું મોં કરીને હું ખાઇ ગઇ. અહીં કંઇ ફરવા કે મોજમજા કરવા થોડી આવી છું ? એમ કહી મનને મક્કમ કર્યા પછી કોઇ વાન્ધો નથી આવતો.

મેથી ખાઇ લીધા પછી સાડા છ વાગ્યે યોગાસન હોલમાં પ્રવેશી.યોગની સૂકક્ષ્મ ક્રિયાઓ, પ્રાણાયામ, આસનો વિગેરે સમૂહમાં ચાલુ થયા. કસરત અને યોગ વિશેના તફાવતની સાચી સમજ નિમેશભાઇએ આપી. યોગના આસનો એ ફકત શારીરિક ક્રિયા જ નહીં..મનથી ફીલ કરવાની..અહેસાસ કરવાની એક અનુભૂતિ છે એ ખૂબ સરસ રીતે યોગશિક્ષક શ્રી નિમેશભાઇએ સમજાવ્યું. સૂક્ષ્મ સ્તરે તેનાથી કઇ રીતે શું ફેરફાર થાય છે તે કદાચ પહેલીવાર આટલી સરસ રીતે જાણવા મળ્યું. અને પરિણામે મને હમેશા કંટાળાજનક અને વેઠ લાગતા આસનો આજે હળવાશભર્યા અનુભવાયા. અને બધી ક્રિયાઓ દિલથી થઇ. આઠ વાગ્યે ફરી બેલ થયો. અને અમે સૌ ફરીથી ડાઇનીંગ હોલમાં ગોઠવાયા. ત્યાં સરસ મજાનો ઉકાળો અમારી રાહ જોતો હતો. ગોળના ઉકાળેલ પાણીમાં આદુ, ફુદીનો અને લીલી ચાની મહેક આવતી હતી. દૂધમાં એ મીક્ષ કરીને મોટો ગ્લાસ ભરીને આપ્યો. મને તો મજા આવી ગઇ. ગરમાગરમ ઉકાળો પીને તાજગી આવી ગઇ. બરાબર નવ વાગ્યે ઉપચાર ગૃહ તરફ પ્રયાણ કર્યું. અમારો ચાર્ટ બધી જગ્યાએ અમારી પહેલાં જ પહોંચી જતો હતો. એનિમા, નગોડના પાંદડાનો શેક, તલના તેલથી આખા શરીરે અનુભવી હાથોથી સરસ માલિશ, કટિ સ્નાન, મડ બાથ, નસ્ય, અને સૌથી છેલ્લે સ્ટીમ બાથ અને પછી તુરત ઠંડા પાણીથી શાવર…. સૌની જરૂરિયાત મુજબ અલગ અલગ રીતે ઉપચાર ચાલુ હતા. 11 વાગ્યાની આસપાસ ઉપચાર ગૃહમાંથી બહાર નીકળી ત્યારે શરીમાં સ્ફૂર્તિ, તાજગી સ્પષ્ટ અનુભવાતા હતા. બોડી રીલેક્ષ એટલે શું એનો અનુભવ કદાચ જિન્દગીમાં પ્રથમ વાર થયો. ખૂબ સારું ફીલ થયું. બાર વાગ્યાની આસપાસ ડોકટર કમલેશભાઇ હાથમાં ફાઇલ લઇને પ્રવેશ્યા.અને પૂછપરછ કરી. કેવું લાગ્યું.. બીજી કોઇ જરૂરિયાત તો નથી ને ? આહાર અંગેની જાણકારી આપી. બરાબર લાગે છે કે કેમ તે પણ પૂછયું. એ જ સ્મિત સાથે. હવે તો મનમાં રહેલી પેલી શંકા અદ્રશ્ય થવા લાગી હતી. સવા બારે ફરીથી બેલ..અને અમે સીધા ડાઇનીંગ હોલમાં..કોઇને ફળ, કોઇને બાફેલો ખોરાક, કોઇ જયુસ,..તો કોઇને ખાલી ગરમ પાણી પણ હતું. બધાને બીજાને શું મળ્યું છે તે જોવામાં રસ પડતો હતો.એક બીજા સાથે થોડો પરિચય થયો. હળવા વાતાવરણ વચ્ચે મેં મારા ભાગે આવેલ ફળ..જેમાં પપૈયુ, તરબૂચ અને દ્રાક્ષ હતા..એ પૂરા કર્યા. કવોંટીટી પૂરતી હતી તેથી કોઇ તકલીફ પડે તેમ નહોતું.

જમીને રૂમમાં આવી. થોડીવાર સૂતી. મારી સાથે મારા રૂમમાં બારમા ધોરણની પરીક્ષા આપીને આવેલ આરોહી હતી. જે વજન ઉતારવા માટે આવેલ હતી. દીકરી જેવો ભાવ અનુભવાયો. સરસ મજાની હસમુખી છોકરી હતી. મને તો પરદેશમાં રહેતી મારી દીકરીની યાદ આપી ગઇ. થોડી વાર સૂતી ત્યાં બે વાગ્યે રૂમમાં જ બે માટી પટી આપી ગયા. જે અમારે પેટ અને આંખ ઉપર લગાડીને સૂવાનું હતું. સરસ મજાની ઠંડક અનુભવાઇ. મને ગાન્ધીજી યાદ આવી ગયા. બરાબર પોણા ત્રણ વાગ્યે એક બહેન રૂમમાં આવ્યા. અને પેટ અને કમર ઉપર એક ઠંડા પાણીમાં ભીંજવેલ કપડું અને તેની ઉપર ગરમ કપડું વીંટી ગયા. જેને અહીંની ભાષામાં “ લપેટ “ કહે છે. પોણૉ કલાક એ રાખીને સૂવાનું હતું. પછી ફરીથી ઉપચાર ગૃહમાં પહોંચ્યા. હવે અહીં સ્થાનિક જે ભાગમાં દુખાવો હોય ત્યાં વરાળ લેવાની હતી. કોઇને એકયુપ્રેશરની સારવાર અપાતી હતી. કોઇને શિરોધારાની સારવાર અપાતી હતી. કોઇ આખા માટીથી ઢંકાઇને ઉભા હતા. મારે ભાગે આવેલ સ્થાનિક વરાળ લીધી. હવે વારો હતો જિમમાં જવાનો. ત્યાં બધાને પોતાની શારીરિક જરૂરિયાત મુજબ શિક્ષકની મદદ સાથે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરી કસરત કરવાની હતી. મારે ફકત કમર અને ગરદનની હળવી કસરત કરવાની હતી.જે મને બતાવવામાં આવી.

ત્યારબાદ સવાચારે ફરીથી બેલ..અને ડાઇનીંગ હોલમાં જઇ દૂધીનો રસ ધીમે ધીમે પીધો. સારો લાગ્યો. એ પીને ફરીથી યોગાસન રૂમમાં…ત્યાં હવે સવારની જેમ સમૂહમાં નહીં..પરંતુ અલગ અલગ ગ્રુપમાં પોતાની જરૂરિયાત મુજબ યોગની સૂક્ષ્મ ક્રિયાઓ કરવાની હતી. જે નીચે ન બેસી શકે તેમના માટે ખુરશીની વ્યવસ્થા હતી. અડધા કલાકે એ પૂરું થયું અને બરાબર સવા છ વાગ્યે ફરીથી બેલ અને અમે આતુરતાથી ડાઇનીંગ હોલમાં.. મારે ભાગે બાફેલ સરગવાની શિંગો, ફળો અને ગરમાગરમ સૂપ હતો. સૂપ ખૂબ સરસ હતો. શાંતિથી બધાએ પોતપોતાને ભાગે આવેલ ભોજન કર્યુ.કોઇ બિચારા ચૂપચાપ બીજાની સામે જોતાં જોતાં ખાલી ગરમ પાણીનો જગ લઇ ચાલતા થયા!

હવે નિરાંતનો સમય હતો. મુલાકાતીઓને મળવાનો સમય કે બગીચામાં લીલીછમ્મ લોનમાં બેસવાનો સમય. કોઇ નિરાંતે વાતો કરતા હતા. કોઇ લોનમાં ટહેલતા હતા. તો કોઇએ બગીચાના ઝૂલા પર જમાવ્યું હતું. સૌ એકબીજાને મળી..તેમની શારીરિક તકલીફો, ઉપચારના અનુભવ અને કૌટુબિંક માહિતિની આપ લે કરી રહ્યા હતા. કોઇ બીજી ત્રીજી વાર આવેલ લોકો પાસેથી માર્ગદર્શન લઇ રહ્યા હતા. કોઇ તો અહીં ત્રણ મહિનાથી રહ્યા હતા. વ્હીલચેરમાં બેસીને આવેલ લોકો હાથમાં ફકત એક લાકડી લઇને પગે ચાલીને જાય એ વાત કોને ન આકર્ષે ? આવા અનેક અનુભવોની આપ લે થતી હતી. 7-30 વાગ્યે પ્રાર્થનાનો બેલ વાગ્યો. અલબત્ત એ ફરજિયાત નહોતી. પ્રાર્થના પછી કોઇ હોલમાં રહેલ ટી.વી. જોવામાં પ્રવૃત થયા. કોઇ ત્યાંની લાઇબ્રેરીમાંથી લાવેલ પુસ્તક જોતા હતા.કોઇ લોનમાં ચાલતા હતા. કોઇ નિરાંતે બેસીને વાતો કરી રહ્યા હતા. મને બાળકોમાં રસ હોવાથી હું ત્યાંના ઉત્સાહથી છલોછલ બાળકો સાથે વાતો કરી રહી હતી.

બરાબર દસ વાગ્યે નિદ્રાદેવીની આગોશમાં ગઇ . ઘસઘસાટ ઉંઘ..અને આશ્રમનો પહેલો દિવસ પૂરો થયો. હવે અહીંની ખાસ બે ચાર વિશિષ્ટતાઓ જે મને આકર્ષી ગઇ…અહીં જનરલ વોર્ડ, સ્પેશ્યલ રૂમ અને ડીલક્ષ રૂમ એમ રહેવાની ત્રણ જાતની વ્યવસ્થા છે. પરંતુ ખાસ વાત એ કે જનરલ વોર્ડમાં રહો કે ડીલક્ષ રૂમમાં.. તમારી સારવાર, આહાર કે કોઇના વર્તનમાં કોઇ જ તફાવત નથી થતો. એ વાત ખૂબ સ્પર્શી ગઇ.

કોઇ કર્મચારીને કોઇ ભેટ કે કોઇ બક્ષિસ આપવાની ચોખ્ખી મનાઇ છે. જેથી આશ્રમનું વાતાવરણ કલુષિત થાય નહીં. કોઇને કશું આપવાની ઇચ્છા થાય તો ત્યાં રાખેલી પેટીમાં ચૂપચાપ નાખી શકે છે. જે પછીથી અમુક સમયાંતરે કર્મચારીઓને વહેંચી દેવામાં આવે છે. અહીં સવારે ડોકટર ભરતભાઇને જાતે આશ્રમની સફાઇ કરતા જોયા. કોઇ કામ પ્રોફેશનલી નહીં..પરંતુ દિલથી થતું જોયું..અનુભવ્યું.

જનરલ વોર્ડમાં ખાવા, પીવા , રહેવા અને સારવાર બધું મળીને ફકત 175 રૂપિયા…જેમાંથી કદાચ તેમનો પોતાનો ખર્ચ પણ ન જ નીકળી શકે. પરંતુ અહીં કમાવાની દ્રષ્ટિ નથી જ. એમ હું મારા પોતાના અનુભવ પરથી દાવા સાથે કહી શકું. કોઇ ગરીબ વ્યક્તિ પૈસાના અભાવે સારવાર વિના ન જાય તેનો ખ્યાલ પણ રાખવામાં આવે છે. આખા સ્ટાફનું વર્તન ખૂબ વિનમ્ર, સાલસ સહકારભર્યું અને ગરીબ, અમીર સૌ પ્રત્યે એકસરખું અને ખૂબ માયાળુ અનુભવાયું. બધા દિલથી સારવાર કરતા હતા. કયાંય વેઠ કે જલદી જ્લદી પતાવી દેવાની વૃતિ નહોતી. ખૂબ સારું લાગ્યું. પૂરી નિષ્ઠાથી કામ થતું હતું. ઉપરી લોકો સારા હોય ત્યાં સ્ટાફમાં આપોઆપ આ ભાવના આવી જતી હશે તેવું લાગ્યું. પ્રોફેશનલ ટચ ને બદલે પર્સનલ ટચ અનુભવાયો.

કોઇ દર્દીને કોઇ પણ જાતની તકલીફ ન પડે તેનો ખાસ ખ્યાલ રહેતો. નિયમો જરૂર હતા અને હોવા જ જોઇએ..પરંતુ નિયમોમાં કયાંય જડતા નહોતી. અહીંથી જતી વખતે પણ ડોકટર દરેક દર્દી સાથે પર્સનલ વાત કરીને હવે પછી ભવિષ્યમાં પોતાના આરોગ્ય માટે કેવો ખ્યાલ રાખવો, કયો આહાર લેવો વિગેરે માહિતિ પણ સૌની ફાઇલમાં લખીને આપવામાં આવે છે.

ભરતભાઇના પત્ની માધવીબહેન અને કમલેશભાઇના પત્ની કિરણબહેન પણ આશ્રમની પ્રવૃતિઓનું એક અવિભાજય અંગ બની ગયા છે. તેમના માયાળુ સ્વભાવ દરેક દર્દીને એક હૂંફ પૂરી પાડે છે. જતી વખતે મારી માફક કદાચ દરેકને થતું જ હશે કે વધારે નહીં તો પણ વરસમાં એક વાર તો અહીં આવવું જ જોઇએ.અરે, કોઇ રોગ ન હોય તો પણ આવવું જોઇએ. ગાડી જેવા યંત્રને પણ વરસમાં એકાદવાર તો સર્વીસમાં મૂકવી જ પડે છે ને ? તો પછી શરીર જેવા અણમોલ મશીનને વરસમાં એક વાર તો તો ચાર્જીંગમાં, સર્વીસમાં મૂકવું જ જોઇએ ને ? અને અહીં એ પૂરેપૂરું ચાર્જ થશે જ..એટલી ખાત્રી તો જરૂર આપી શકાય.

આશા છે આ માહિતિ લોકોને ઉપયોગી નીવડશે અને સૌ કોઇ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે એ આશા અને શ્રધ્ધા સાથે અસ્તુ… सर्वे संतु निरामया:…

નીલમ દોશી, મુંબાઈ
24/6/2009

The lap of nature is so comfortable

I wanted to escape the biting cold and the highly polluted atmosphere of Delhi and wanted to spend a few days amidst nature, in a pollution free atmosphere and get some peace and tranquility. I also wanted to do my yoga and other exercises in a pleasant weather. I searched the net and my search took me to Vadodara, the cultural centre of Gujarat, which has a very pleasant weather all round the year. I ended up at the Nisargopachar Kendra, Vinoba Ashram, Gotri, Vadodara.

Nisargopachar Kendra means a Nature Cure Center. I contacted the center for a suitable accommodation for a 10 days stay but was informed that the center was fully booked till March, 2011 and there was no vacancy.

It was not possible for me to visit the Center in March, so I requested Mrs. Uma Ben, the in-charge for bookings to help me. Luckily, there was a cancellation of one booking and I was offered a room against that cancellation on 9th. I was to reach by 12th Jan. I was simply delighted and packed my belongings for a 10 days experience at the Nature Cure Center at Vadodara.

As I entered the Ashram, I was very excited as I could distinctly feel the peace and tranquility in the pollution free ashram. There was an abundance of greenery and everything looked so pleasant in the lap of Nature. The Administrative Officer, Mrs. Kiran showed me my room which was very neat, clean and comfortable.

The Nature Cure Center spread over three acres of land at the Vinoba Ashram, Gotri, Vadodara, is run on a charitable basis by the Vadodara Jilla Sarvodaya Mandal, a registered charitable trust since 1978. The activities of the trust are inspired by the common ideology of Mahatma Gandhi, Vinoba Bhave and Jayaprakash Narayan. The centre is run with the mission to provide nature cure and alternative therapies with scientific and holistic approach and to develop an awareness towards a healthy life style in the society. The center conducts seminars and periodical health camps.

FACILITIES and Resources
The center can accommodate 40 health seekers. Accommodation is available in four different categories, namely, Deluxe, Semi - Deluxe, special rooms and general wards. The charges for boarding, lodging and treatment are very very nominal.

The naturopathic treatments are provided on the basis of an Integrated Treatment plan, involving natural therapies such as fasting, natural diet, oil massage, mud bath, mud pack, tub bath, steam bath, enema, yogasna, pranayama, yogic deep relaxation techniques,
counselling, accupressure and shirodhara.

The accommodation and treatment rooms are separate for ladies and gents and the staff is well qualified and experienced. The center employs a full time doctor and naturopath who live on the campus and are available round the clock. The smiling staff provides a friendly service and support in areas such as nursing, treatment rooms, administration, housekeeping, kitchen, maintenance and gardening.

The center has a well equipped gym where a Physiotherapist is in attendance. There is a yoga and prayer hall and a spacious and clean dinning hall for the inmates. A part of the land is used for growing organic fruits and vegetables which are also served to the inmates. The huge park is beautiful and well maintained, there is a herbarium and a children’s play area. The center also provides consultancy to outdoor patients but they have to take a prior appointment.

Patients suffering from Asthma, diabetes, hypertension and heart diseases, arthritis, backache, obesity, eczema, psoriasis, indigestion, constipation and general debility may take the benefits of naturopathy.

Besides India, the patients come from the USA, UK and other countries. I talked to a lot of inmates including 10 from the USA and UK and found them happy and satisfied with their stay at the center. Some of them are regular visitors to the center.

The only problem one faces is to get a room for which advance booking is mandatory. For an advance booking one may contact Tel. No. +912652371880 or Fax no. +912652372593, E-Mail : info@nisargopachar.org and the web site is www.nisargopachar.org.

JATAN :- The center also supports a charitable organization, Jatan, which is involved in promoting organic farming. There is an outlet for the organic farm products on the campus and one may buy organic farm products at reasonable prices.

I had a very comfortable ten days stay here and its time to say goodbye to Dr. Bharat Bhai and his dedicated team and a desire to return here, whenever possible. It is surely one of the best destinations for Medical Tourism.

Singh 122, New Delhi
23/1/2011

Comments are closed