તમાકુની પડીકીઓ : જીવતા મોતને આમંત્રણ

gutkaએક યુવાન ડૉક્ટરને બતાવવા આવે છે. એની ભૂખ મરી ગઇ છે અને જીભ સ્વાદહીન બની ગઇ છે. ડૉક્ટર એના મોંની અંદરના ભાગોને તપાસવા માટે મોં ખુલ્લું કરવા કહે છે, પણ એ પોતાનું જડબું પૂરેપૂરું ખોલી શકતો નથી. એમાં એની નાની આંગળી દાખલ થઇ શકે એટલી જ જગ્યા રહી છે. આથી પ્રવાહી સિવાય ભાગ્યે જ કોઇ ખોરાક એ મોંમાં મૂકી શકે છે. મોં ખોલીને અંદર જોતાં ગાલની અંદરની ચામડીમાં સફેદ ચાઠું જણાય છે જે લ્યુકોપ્લેકિયા નામથી ઓળખાય છે. જીભ અને મોંની અંદર ઠેક-ઠેકાણે ચીરા અને ચાંદાં પડી ગયા છે. નીચલાં જડબાની નીચે ગરદન ઉપર બે-ત્રણ નાની ગાંઠો ફુટી નીકળી છે. એનું શરીર સાવ સુકાઇ ગયું છે અને તાવથી ધખે છે. એ સાવ નબળો પડી ગયો છે. નિશ્ર્વિતપણે આ તમામ ચિહ્નો કન્સરનાં છે. તમાકુની પડીકીએ એને આપેલો આ રોગ થોડા વખતમાં એના સમગ્ર શરીરમાં પ્રસરી જશે, પછી મૃત્યુ જ એને પીડામાંથી છૂટકારો આપી શકશે.

ગુટખા અને તમાકુ એ માણસે સામે ચાલીને મેળવેલો મૃત્યુદંડ છે. એક દસકા અગાઉ જીભ, ગાલ અને જડબાના કેન્સરના કિસ્સાઓ જેવા જ જોવા મળતા. આજે હવે એ રોજ-રોજની બીના થઇ ગઇ છે. વિવિધ સ્વરૂપમાં તમાકુનું વ્યસન કરનારા લોકોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. લગભગ ઘરે ઘરે એણે પગપેસારો કરી દીધો છે. એમાં પણ તમાકુ ગુટખાના રૂપમાં મળતી થઇ ત્યાર પછી ખાસ કરીને યુવાનોની અંદર એનો નશો સર્વવ્યાપક બની ગયો છે.

મોતનો સસ્તો વેપાર

no-gutkaઆજે આપણા દેશમાં ગુટખા બનાવનારા ઉત્પાદકોની સંખ્યા ૨૫૦૦ ઉપરાંતની છે, એમાં કશું આશ્ચર્ય નથી, કેમ કે ગુટખા બનાવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. એમાં ઝાઝી મૂડીની આવશ્યકતા હોતી નથી અને ઓછી મહેનતે અઢળક નફો રળી શકાય છે. એટલે ગુટખાના નામે આપણે ત્યાં નર્યો મોતનો જ વેપાર થાય છે. ગુટખાના ઉત્પાદનમાં તમાકુ, સોપારી, કાથો, ચૂનો ઉપરાંત કૃત્રિમ રંગ અને સુગંધીકારક દ્રવ્યો વાપરવામાં આવે છે. મોતની આ પડીકીને જુદી જુદી બ્રાન્ડ અનુસાર એક રૂપિયાથી માંડીને ચાર રૂપિયાની કિંમતમાં વેચવામાં આવે છે. ઉપરથી જાહેરાતોમાં તમારો અહમ પોષવા માટે લખવામાં આવે છે, ઉંચે લોગ ઉંચી પસંદ . સામાન્ય રીતે ભાઇબંધ-દોસ્તારોના દબાણથી આ લત પડે છે. ગુટખાની પહેલી ચપટી મોંમાં મૂકવાથી થોડી ચચરાટી, ઊબકા, ઊલટી, ગભરામણ કે ચક્કર આવવાની તકલીફો થાય છે. પણ પછી એનો સ્વાદ ભાવવા માંડે છે. તમાકુનો નશો તો પછી ચઢે છે, પહેલાં એના સ્વાદ અને રંગ માણસને ચટકો લગાડે છે. પણ એક વાત ખાસ યાદ રાખશો કે ગુટખાની અંદરની તમાકુની સાથે સાથે તેની અંદરના કૃત્રિમ રંગ, ગંધ અને સ્વાદદાયક રસાયણો પણ ઘણું નુક્શાન કરતાં હોય છે.

એક વખત એની આદત પડે પછી માણસ એનાં સકંજામાં સપડાય છે. એ રોજની બાર થી વીસ પડીકીઓ ખાતો થઇ જાય છે. એક વાર એનો નશો ચડે પછી એના બંધાણની હાલત એવી થાય છે કે એક-બે પડીકી ઓછી કરવા જતાં પણ એને ધ્રુજારી અને ગભરામણ થવા લાગે છે.

ગુટખાનો વ્યાપ વધારવા માટે એના ઉત્પાદકો ઘણી અનૈતિક, ચાલાક રીતરસમો અપનાવે છે, આપણાં છાપાઓ, સામયિકો અને ટેલીવિઝને ગુટખાની ચડતીમાં ઘણો ફાળો આપ્યો છે. આમ જુઓ તો ટી.વી. ઉપર તમાકુની સીધી જાહેરાત ઉપર પ્રતિબંધ છે, પણ છેલ્લાં થોડાં વર્ષોથી કેટલાંક ગુટખા ઉત્પાદકો તરફથી ફિલ્મફેર ઍવોર્ડઝ જેવા ટી.વી. કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. એના કારણે જુવાનિયાઓની જીભે ઉત્પાકોનું નામ રમતું થઇ જાય છે. પછી આડકતરી રીતે આ નામ એમને જે-તે બ્રાન્ડના ગુટખા તરફ દોરી જાય છે. ગુટખાના અગ્રણી ઉત્પાદકો તો જે રીતે દર વર્ષે ગણપતિ અને નવરાત્રી ઉત્સવોના પ્રાયોજનમાં કરોડો રૂપિયા ઠાલવે છે એ જોતાં આ ઉત્સવો રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવાની એમની મૂળભૂત ભૂમિકા છોડીને મોતનું વિતરણ કરતા તમાશા બની ચૂક્યા છે. મુંબઇ, પૂના અને અમદાવાદની કેટલીક શાળાઓમાં તો કુમળાં બાળકોને ગુટખાની મફત પડીકીઓની લ્હાણી કરવામાં આવી હોવાનું નોંધાયું છે. ગુટખાની અંદર વપરાતાં રસાયણો એટલાં તો શકિતશાળી છે કે એક પડીકી મફતમાં ચાખનાર બાળક પછી એને દુકાનમાંથી ખરીદતું થઇ જાય છે. માબાપ પોતાના કિશોર વયના સંતાનોને શાળામાં લઇ જવા માટે જે હાથખર્ચી આપે છે તે ગુટખા ખરીદવામાં વપરાય છે.

ગુટખાની હાનિકારક અસરો

 • ગુટખાનું સેવન કરનારા લોકોની અંદર જે સૌથી સામાન્ય રોગ જોવા મળે છે તે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ (Oral Submucus Fibrosis -SMF) તરીકે ઓળખાય છે. આમાં દર્દી પોતાનું મોં પૂરેપૂરું ખોલી શકતો નથી. ગુટખાની અંદર જે સોપારીનું ધટક વાપરવામાં આવે છે તેનાથી આ આડઅસર પેદા થાય છે. પછી ધીમે ધીમે તેનું જડબું ખૂલતું ઓછું થઇ જાય છે. ખૂબ આગળ વધી ચૂકેલી બીમારીમાં તો છેલ્લે એવો વખત આવી જાય છે કે ખોરાકનો એક કોળિયો મોંમાં મૂકવા માટે પણ દર્દી મોં ખોલી શકતો નથી અને એને કાગળની ભૂંગળી (સ્ટ્રો) વડે માત્ર પ્રવાહી પીને દિવસો વિતાવવા પડે છે. આની કોઇ સારવાર નથી. આગળ જતાં એમાંથી જ ગલોફાનું કેન્સર થાય છે. જેનું પ્રમાણ ગુટખાના સેવનને કારણે છેલ્લાં થોડાં વર્ષોમાં આપણા દેશમાં ઝડપથી વધી ગયું છે.
 • અગાઉ પણ લોકો તમાકુ અને સોપારીનું સેવન કરતા હતા , છતાં સબમ્યુકસ ફાઇબ્રોસિસનું પ્રમાણ આટલું જોવા મળતું ન હતું કારણકે હાલમાં ગુટખામાં વાપરવામાં આવતી સોપારીની ગુણવત્તા ઘણી હલકી હોય છે. સોપારીમાં રહેલાં ટેનિન અને ફીનોલ નામનાં તત્વોને કારણે મોંની અંત:ત્વચામાં દાહ થાય છે. સોપારી ઉપરાંત ગુટખા ની અંદર વપરાતાં ચૂનો, તમાકુ, કૃત્રિમ કાથો તથા કૃત્રિમ રંગ,ગંધ અને સ્વાદ માટે વપરાતા વિવિધ રસાયણો મોંની અંદરની ત્વચામાં દાહ પેદા કરે છે. આથી મોંની અંત:ત્વચાના કોષો ધીમે ધીમે નાશ પામે છે અને તેનું સ્થાન ધીમે ધીમે બિનસ્થિતિસ્થાપક પેશી લઇ લે છે, જેથી જડબું પૂરેપૂરું ખોલી શકાતું નથી.
 • જીભ અને અન્નનળીનું કેન્સર : ગુટખાના લાંબા ગાળાના સેવનથી ગાલ ઉપરાંત જીભ અને અન્નનળીનું પણ કેન્સર થઇ શકે છે. ગુટખાની અંદરના ચૂના અને તમાકુમાં નાઇટ્રોસેમિન (Nitrosamin) નામનું કેન્સર પ્રેરક રસાયણ મળી આવ્યુ છે. ચિંતાની વાત એ છે કે સબમ્યુકસ ફાઇબ્રોસિસ અને મોંના કન્સરની નાગચૂડમાં ફસાનારા દર્દીઓની મહત્તમ ટકાવારી ૨૦ થી ૪૦ વર્ષના વયજૂથમાં જોવા મળે છે. આપણા દેશમાં મોં અને અન્નનળીના કેન્સરનું પ્રમાણ અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ઊંચું જોવા મળે છે એની પાછળ ગુટખાનું વ્યસન જવાબદાર છે.
 • એસિડીટી તથા જઠરમાં ચાદું : તમાકુથી પેટમાં એસિડનો પ્રકોપ વધે છે અને આગળ જતાં જઠરની ચાંદી અને કેન્સરનો પણ ખતરો પેદા થાય છે.
 • હૃદયરોગ તથા પક્ષાઘાત : ગુટખામાં રહેલો તમાકુ નિકોટિન નામનું તત્વ ધરાવે છે. જેની આડઅસરથી શરીરની ધમનીઓ સાંકડી બને છે. આથી હ્રદય, મગજ અને પગને મળતો લોહીનો પૂરવઠો ઘટે છે. આનાથી પક્ષઘાત અને હ્રદયરોગના હુમલાનો ભય વધે છે. હ્રદયરોગનું પ્રમાણ ભારતીય લોકોમાં અન્ય રાષ્ટ્રોની પ્રજાની સરખામણીમાં ઘણું વધી ગયું છે.
 • ગર્ભસ્થ બાળક ઉપર અસર : સગર્ભા સ્ત્રી ગુટખાનું સેવન કરે તો એની અસર ગર્ભસ્થ બાળક ઉપર પણ પડે છે. એનાથી બાળકની વૃદ્ધિ રૂંધાય છે અને અધૂરા મહિને પ્રસૂતિ થવાનો સંભવ વધે છે.
 • દાંત ખરી પડવા : તમાકુથી દાંતના પેઢામાં સોજો આવે છે અને તે નબળા પડી જવાથી દાંત ઢીલા પડી જાય છે અને અકાળે ખરી પડે છે.

ગુટખાની અંદર વપરાતા તમાકુ, સોપારી, ચૂનો અને કાથાના મિશ્રણથી આપણા સ્વાસ્થ્ય ઉપર થતી આ અસરો વિષે જાણ્યા પછી એની આદતથી આપણે દૂર રહેવું જોઇએ, એટલું જ નહીં, એના ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવાની પણ તાતી જરૂરિયાત ઊભી થઇ છે. ગુટખા ઉદ્યોગ ૧૯૯૨ની સાલમાં રૂ. ૨૦૦ કરોડનો હતો, આજે તે વધીને રૂા.૧૦૦૦ કરોડ ઉપરાંતનું ગજું કાઢી ગયો છે, એમાં તમાકુની મોટે પાયે ખેતી કરતા ખેડૂતો, વેપારીઓ અને સરકારની સાંઠગાંઠ જવાબદાર છે. સરકારને ગુટખાના ઉત્પાદન અને વેચાણથી ઘણી રેવન્યૂ મળી રહે છે, જે તે ગુમાવવા તૈયાર નથી. જો આની સામે યોગ્ય પ્રતિબંધક પગલાં ભરવામાં નહી આવે તો અગાઉ દારૂ અને તમાકુની બાબતમાં બન્યું હતું તેમ હવે ગુટખા રાજકીય સ્થાપિત સ્વરૂપમાં કાયમ માટે આપણી ઉપર સવાર થઇ જશે.

ગુટખાથી છૂટકારો મેળવવા શું કરશો ?

એક વખત ગુટખાની ચુંગાલમાં ફસાયા પછી એમાંથી છૂટવું સહેલું નથી. પણ અશક્ય તો નથી જ. આશ્ર્ચર્યની વાત એ છે કે ગુટખા ખાનારા લગભગ ૮૫ ટકા લોકો આ ઝેરી આદતમાંથી છૂટકારો મેળવવાની ઇચ્છા ધરાવતા હોય છે.

 • તમાકુ છોડવાનો દઢ નિશ્ર્ચય કરો અને તે માટે જરૂરી મનોબળ કેળવો. તમાકુ અને ગુટખાની હાનિકારક અસરો વિશે અવારનવાર જાણકારી મેળવતા રહો.
 • પડીકીનો સદંતર ત્યાગ કરો. પડીકી ધીમે ધીમે ઓછી કરતાં જવાનો વિચાર કરતા હશો તો મોટે ભાગે નિષ્ફળ જશો.
 • તમાકુ અને પડીકી ખાવાની તલપ પેદા કરે એવી પરિસ્થિતિઓ અને સંગાથ-મિત્રોથી દૂર રહો.
 • તમારા સ્વસ્થ્ય વિષે સભાન બનો. ચાલવું, જોગિંગ કરવું, વ્યાયામ અને તરવું, વગેરેમાં નિયમિત બનો.
 • પડીકી બંધ કરીને તમે બચાવેલા પૈસા એકઠાં કરો. આનાથી આટલાં વર્ષોથી તમે કેટલું આર્થિક નુકસાન વેઠ્યું છે એનો તમને અંદાજ આવશે અને તમાકુ છોડવાના તમારા નિર્ણયને વધારે પ્રેરણા મળશે.
 • તમાકુ છોડ્યા પછી શરૂઆતના થોડા દિવસોમાં તમને એની તલપ ઘણી સતાવશે.પણ એક વખત તમે આ તબક્કો જીતી જશો પછી ઝાઝી મુશ્કેલી રહેતી નથી. પણ કોઇપણ સંજોગોમાં તમાકુ ભણી પાછા વળવાનો પ્રયત્ન કરશો નહીં. એકાદ પડીકી પણ તમારા દિવસોના સંઘર્ષ ઉપર પાણી ફેરવી દેશે.

તમાકુ ન જ છોડી શકો તેમ હો તો :

 • પડીકીને લાંબા સમય સુધી તમારા ગલોફામાં ભરી રાખવાનું ટાળો. એનાથી તમાકુનું સ્વાસ્થ્ય ઉપરનું જોખમ વધે છે.
 • મોંની અંદરની સ્વચ્છતા બરાબર જાળવો. રાત્રે સૂતા પહેલાં બ્રશ કરીને દાંત સાફ કરવાનું ચૂકશો નહીં. ત્યારપછી મોંમાં પડીકી મૂકાઇ ન જાય તેનું ખાસ ધ્યાન રાખો.
 • મહિનામાં એક વખત અરીસામાં તમારા મોંનો અંદરનો ભાગ તપાસવાનું યાદ રાખો. તમારા મોંની અંદરની સફાઇ, દાંત અને અવાળાંને ખાસ તપાસી જુઓ. જો જીભ અને ગલોફાની અંદર સફેદ કે લાલ ચાઠાં કે ચાંદી જણાય તો તરત ડાક્ટરને મળો. એની અવગણના ન કરો. બેદરકારી કેન્સરમાં પરિણમી શકે.
 • તમારો અવાજ બદલાય, કાયમી ખાંસી અથવા ખોરાકનો કોળિયો ગળે ઉતારવામાં મુશ્કેલી જણાય તો તબીબી ચકાસણી કરાવો.
 • ધુમ્રપાન કરતા હો તો વર્ષે એકાદ વખત તબીબી તપાસ અને છાતીનો એક્સ-રે પડાવવાની જરૂર છે.

લોકહિતમાં પ્રસિદ્ધ કરનાર
સમન્વય આરોગ્ય કેન્દ્ર
વિનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા. ફોન: ૨૩૭ ૧૮૮૦
ઇ-મેઇલ : info@nisargopachar.org