Nisargopachar Kendra (निसर्गोपचार केन्द्र)

Vinoba Ashram, Gotri, Vadodara 390021 INDIA
Ph: +91-265-2371880 | 94261-87847

કોલેરા એ જોખમી રોગ છે તથા તે મૃત્યુ પણ નોતરી શકે છે.

ઝાડા-ઊલટી-કોલેરાના કારણો
ઝાડા-ઊલટી તથા કોલેરા સૂક્ષ્મ જીવોથી થતાં રોગ છે. નરી આંખે ન દેખાય તેવા અસંખ્ય સૂક્ષ્મ જીવો માણસનાં મળમાં હોય છે. ચોમાસામાં ગંદકીને કારણે આવા સૂક્ષ્મ જીવો પીવાનાં પાણી કે ખોરાકમાં ભળે અને ખોરાક-પાણીને દૂષિત કરે છે. માખી બેસતી હોય તેવો ખુલ્લો ખોરાક, અસ્વચ્છ હાથ કે નખના મેલ દ્વારા પણ આ સૂક્ષ્મ જીવો વ્યક્તિનાં શરીરમાં પહોંચે છે અને રોગ કરે છે.

ઝાડા થવાથી શરીરને શું નુક્શાન થાય?
ઝાડા-ઊલટીમાં શરીરમાંથી પાણી અને ક્ષાર નીકળી જાય, તેને કારણે નબળાઇ આવે. ઝાડા ચાલુ રહે તો શરીરમાંથી પાણી ઓછું થઇ જાય. આ પરિસ્થિતિને ડીહાઇડ્રેશન કહે છે. બાળકોમાં ડીહાઇડ્રેશન વધુ ઝડપથી ગંભીર સ્વરૂપ પકડે છે. કેટલીક વાર તેનાથી બાળક મરી પણ જાય.

ગંભીર ડીહાઇડ્રેશનનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ છે :

  • વધુ પડતી તરસ લાગે, હોઠની અંદરનો ભાગ સુકાવા માંડે
  • બાળક સૂનમૂન પડી રહે અથવા તો ચીડિયું થઇ રડ્યા કરે
  • પેટની ચામડી પર ચપટી ભરીને છોડી દેવાથી ત્યાં કરચલી પડી જાય
  • બાળક એક-દોઢ વર્ષથી નાનું હોય તો તાળવાનાં ભાગે ખાડો પડે
  • આંખો ઊંડી ઊતરી જાય

ઝાડા થાય ત્યારે શું કરશો?
દર્દીને પાણી જેવા ઝાડા થાય ત્યારે દર્દીનાં શરીરમાં પાણી અને ક્ષાર ટકાવવાનું કામ સૌથી મહત્ત્વનું છે. ઝાડાની સારવાર માટે જરૂરી ક્ષારનાં તૈયાર પડીકાંને ઓ.આર.એસ.નાં પડીકાં કહે છે.

  • એક લિટર (બશેર) પીવાનાં પાણીમાં એક પડીકાંનો પાવડર નાંખી હલાવીને બનાવેલ શરબત દર્દીને પીવડાવો.
  • દર્દીની તરસ છીપાય ત્યાં સુધી આવું શરબત આપ્યા કરવું.
  • દર્દીને વધુ ઉલટી થતી હોય તો દર એક-બે મીનીટે એક-બે ચમચી જેટલું શરબત આપવું.
  • બજારમાં તૈયાર મળતાં આવાં પડીકાંઓ પૈકી પુનર્જલ, પ્રોલાઇટ, પીડિયાલાઇટ-૯૦, એમ્લાઇટ, રાઇસેટ્રાલ વગેરે પડીકાંઓમાં યોગ્ય પ્રમાણમાં ક્ષાર હોય છે.
  • સરકારી દવાખાનામાં આવાં ઓ.આર.એસ.નાં પડીકાં મફત મળતાં હોય છે.
  • દર્દીને છાશ, ચા કે અન્ય સ્વરૂપમાં પ્રવાહી છૂટથી આપો. બાળકને ધાવણ આપવાનું ચાલુ રાખો.
  • ખીચડી, દહીં-ભાત, દાળ, કાંજી, કેળા જેવો કોઇ પણ પ્રકારનો પોચો ખોરાક આપવાનું ચાલુ રાખો.

ઓ.આર.એસ.નું શરબત ઘરે બનાવવાની રીત :

  • આશરે એક શેર (૫૦૦ મિ.લિ.) પીવાનું પાણી લો.
  • તેમાં બે આંગળી અને અંગુઠાની ચપટી ભરેલ મીઠું (આશરે બે ગ્રામ) નાંખો, હલાવીને ચાખો.
  • આ પ્રવાહીની ખારાશ આંસુની ખારાશથી વધારે ન હોવી જોઇએ.
  • એક મુઠ્ઠી કે દીવાસળીનું ખોખું ભરીને ખાંડ (આશરે ૨૦ ગ્રામ) નાંખીને હલાવો.
  • આ રીતે તૈયાર કરેલ ઓ.આર.એસ.નું શરબત ચોવીસ કલાકથી વધુ સમય રાખી મૂકવું નહીં.

ઝાડા-ઊલટીમાં દર્દીને દવાખાને કયારે લઇ જશો?
સામાન્ય રીતે સાદા ઝાડા આપમેળે જ બે-ત્રણ દિવસમાં મટી જતા હોય છે. આ દરમિયાન ઓ.આર.એસ.નું શરબત તથા અગાઉ જણાવેલ ખોરાક સિવાય કોઇ દવા જરૂરી હોતી નથી. પરંતુ નીચે જણાવેલ લક્ષણો પૈકી કોઇ પણ એક લક્ષણ જણાય તો તરત દવાખાને લઇ જવું જરૂરી છે :

  • દર્દીને વધુ પડતા ઝાડા કે ઊલટી થતાં હોય.
  • અગાઉ જણાવેલા ડીહાડ્રેશનનાં લક્ષણો પૈકી કોઇપણ એક કે વધુ લક્ષણ હોય.
  • ઝાડામાં લોહી કે પરૂ પડે.
  • ઝાડા ચોખાના ઓસામણ જેવા સફેદ થાય કે તેમાં માછલીની વાસ જેવી ગંધ આવે, તો કોલેરા હોઇ શકે.
  • બાળકને અતિશય ઊલટી થતી હોય અને ઓ.આર.એસ. પણ ટકતું ન હોય
  • ત્રણ-ચાર દિવસ કરતા વધુ સમય સુધી ઝાડા ચાલુ રહે.

ઝાડા બંધ કરવાની દવાથી લાભ થાય કે નુક્શાન?
લોમોટીલ કે લોપામાઇડ જેવી ઝાડા બંધ કરવાની દવાઓથી લાભને બદલે નુક્શાન જ થાય છે. આ દવાઓ આંતરડાનુ હલન ચલન ઘટાડી દે છે તેના પરિણામે ઝાડાની સંખ્યા ઘટી જાય છે. પણ તે સાથે જંતુઓવાળું ઝાડાનું પાણી શરીરની બહાર નીકળતું નથી. આથી આ જંતુઓ અને તેમણે પેદા કરેલ ઝેરી પદાર્થો શરીરની બહાર નીકળી જવાને બદલે પેટમાં જ ભરાઇ રહે છે અને ઊલટું વધુ નુક્શાન કરે છે. કયારેક આ દવાઓ આંતરડાને લકવાગ્રસ્ત કરી જીવલેણ પણ સાબિત થાય છે.

ઝાડા મટાડવા માટે એન્ટિબાયોટિક દવા જરૂરી ખરી?
નાના બાળકને થતા ઝાડામાંથી અડધાથી વધારે ઝાડા વાઇરસને કારણે થાય છે. આવા ઝાડા આપમેળે જ બે-ચાર દિવસમાં મટી જાય છે. એટલે સામાન્ય ઝાડાની સારવાર માટે એન્ટિબાયોટિક દવા લેવી જરૂરી નથી. ઝાડામાં લોહી કે પરૂ પડે, મરડા કે કોલેરાની શક્યતા જણાય તો એન્ટિબાયોટિક દવાઓ વાપરવી જરૂરી બને છે.

ઝાડા ન થાય તે માટે શું કરશો?
ચોમાસામાં કે ઝાડા-ઊલટી-કોલેરાનાં વાવર વખતે પાણી ઉકાળીને જ પીવું.
બજારુ ખોરાક કે પીણાંઓ લેવાનું ટાળો. ખાસ કરીને ઠંડો કે વાસી ખોરાક ન ખાવો. ખોરાક હંમેશા ઢાંકેલો રાખો.
પીવાનું પાણી લેવા માટે ડોયો કે નળવાળું માટલું વાપરવાની ટેવ રાખો. નખ કાપેલા રાખો.
સંડાસ ગયા પછી, જમતાં પહેલાં, રસોઇ બનાવતાં અને પીરસતાં પહેલાં પાણી સાથે સાબુ કે તાજી રાખથી બરાબર ઘસીને હાથ ધોવાની ટેવ રાખો.

Author
ડો. ભરત શાહ,
નિયામક, નિસર્ગોપચાર કેન્દ્ર ગોત્રી, વડોદરા