પ્રાચીન કાળથી જેઠીમધ વિવિધ તકલીફો માટે વપરાતું આવ્યું છે. વૈદ્ય બાપાલાલભાઇ લખે છે કે ચરકસંહિતામાં પાણી પેઠે જેઠીમધ વપરાયેલું જણાય છે. ચીન અને જાપાનમાં પણ પરંપરાગત રીતે જેઠીમધ વપરાય છે.
જેઠીમધમાં રહેલ ગ્લીસરીઝીન નામનું તત્વ ખાંડ કરતાં 50 ગણું ગળ્યું છે. આ તત્ત્વને કારણે જેઠીમધ ગળ્યું લાગે છે. ઔષધિય ઉપયોગો માટે જેઠીમધના મૂળ તથા થડ વપરાય છે. છેલ્લાં બે દાયકામાં જેઠીમધ ઉપર આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિથી ઘણાં સંશોધનો થયેલાં જોવા મળે છે. આધુનિક પધ્ધતિ પ્રમાણે કોઇપણ દવાનો પ્રયોગ શરૂઆતમાં પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે. દવા પ્રાણીઓમાં સલામત જણાય તો માનવ સ્વયંસેવકો પર કરવામાં આવે છે. પ્રાણીઓ તથા માનવ સ્વયંસેવકો પર થયેલા આવા કેટલાંક અભ્યાસોનું તારણ ટૂંકમાં જોઇએ.
જેઠીમધની ઔષધિય અસર : ૧. ખાંસી-વિરોધી (Anti-tussive) અસર : જેઠીમધમાં રહેલ ગ્લીસીરીઝીન નામનું તત્વ ખાંસી-વિરોધી અસર ધરાવે છે. તે ચીકણા કફને પાતળો કરી બહાર કાઢવામાં પણ મદદરૂપ થાય છે. આ તત્વ ગળાની અંત:ત્વચા ઉપર એક પ્રકારનું પડ બનાવી અંત:ત્વચાનો દાહ (Irritation) શમાવે છે.
૨. સોજો ઘટાડે તેવી (Anti-inflamatory) અસર : જેઠીમધમાં રહેલ ગ્લીસીરીઝીન નામનું તત્ત્વ કોર્ટીકોસ્ટીરોઇડ જેવી અસરથી સોજો ઘટાડે છે. પરિણામે તે એલર્જી અથવા ચેપને કારણે થતો સોજો અટકાવે છે. જેઠીમધમાં રહેલ ગ્લેબ્રીડીન નામનું તત્વ ટાયરોસીનેઝ તથા સાઇક્લોઓક્સિજીનેઝ નામનાં ઉત્સેચકો (Enzymes) ના કામમાં અવરોધ પેદા કરે છે અને પરિણામે સોજો ઘટે છે.
૩. એસિડીટી તથા અલ્સર વિરોધી અસર : જેઠીમધ જઠરમાં થતો અમ્લ સ્રાવ ધટાડે છે. તે ઉપરાંત તેમાં રહેલ ગ્લીસીરીઝીન તથા એનોક્ષોલાન નામનાં તત્ત્વો જઠરની અંત:ત્વચામાંથી નીકળતાં ચીકણા સ્રાવનું પ્રમાણ વધારે છે. જેઠીમધમાં રહેલ કેટલાંક તત્ત્વો અલ્સરને કારણે થતો સોજો પણ ઘટાડે છે. આ ઉપરાંત જેઠીમધમાં અન્ય પણ એવાં તત્ત્વો છે કે જે જઠરની અંત:ત્વચાનાં કોષોને વધુ સમય સુધી ટકી રહેવામાં મદદરૂપ થાય છે. આવી ચતુર્વિધ અસરને પરિણામે અલ્સર ઝડપથી રૂઝાય છે.
જઠરના ચાંદાં (અલ્સર)ની તકલીફવાળા માનવ દર્દીઓ ઉપર થયેલાં એક પ્રયોગમાં તેઓને જેઠીમધ આપતાં ૭૫% દર્દીઓમાં અલ્સરને કારણે થતી તકલીફો ઘટી તથા ઝડપથી રૂઝ આવી. અન્ય એક પ્રયોગમાં નાના આંતરડાનાં લાંબાગાળાનાં અલ્સર (Chornic Duodenal Ulcer) નાં ૧૬૯ દર્દીઓનાં એક જૂથને ગ્લીસીરીઝીન કાઢી લીધેલ જેઠીમધ (Deglycyrrhizinated Licorice) આપવામાં આવ્યું. સાથે સાથે આવાં જ એક બીજા ગ્રુપ્ને સીમેટીડીન (અલ્સરનાં દર્દીઓ માટે વપરાતી એલોપથીક દવા) આપવામાં આવી. પ્રયોગને અંતે જણાયું કે ગ્લીસીરીઝીન કાઢી લીધેલ જેઠીમધ સીમેટીડીન જેટલું જ અસરકારક હતું. આવાં જ બીજા એક પ્રયોગ દરમિયાન સીમેટીડીન આપેલ જૂથની ગ્લીસીરીઝીન કાઢી લીધેલ જેઠીમધ (Caved-S) તથા એન્ટાસીડ આપેલ જૂથ સાથે સરખામણી કરતાં બંને સરખાં અસરકારક હોવાનું જણાયું. ઉપરનાં બંને પ્રયોગો દર્શાવે છે કે જેઠીમધમાં ગ્લીસીરીઝીન ઉપરાંત પણ એવા તત્ત્વો છે કે જે અલ્સર સામે કામ આપે છે.
૪. વિષાણુ પ્રતિરોધક (Antiviral) તથા જીવાણુ પ્રતિરોધક (Anti-bacterial) અસર : જેઠીમધમાં રહેલ ગ્લીસીરીઝીન નામનું તત્ત્વ ‘હીપેટાઇટીસ બી’વાઇરસને શરીરમાં વધતાં અટકાવે છે. પ્રાણીઓમાં થયેલ કેટલાંક અભ્યાસો દર્શાવે છે કે ગ્લીસીરીઝીન શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે મહત્વનો ભાગ ભજવતાં ‘ટી’પ્રકારનાં કોષો (T-cells) ને ગામા ઇન્ટરફેરોન (Interferon Gamma) ઉત્પન્ન કરવા ઉત્તેજીત કરે છે. આ ગામા ઇન્ટરફેરોન ઇન્ફ્લુઅન્ઝા વાઇરસ સામે શરીરને રક્ષણ આપે છે. આ ઉપરાંત ગ્લીસીરીઝીન એઇડ્ઝ માટે જવાબદાર HIV વાઇરસને પણ વધતાં અટકાવે છે. પુનાની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાઇરોલોજી દ્વારા લેબોરેટરીમાં થયેલ એક પ્રયોગ દરમિયાન જેઠીમધ તથા તેમાં રહેલ તત્ત્વ ગ્લીસીરીઝીન બંને અલગ-અલગ રીતે જાપાનીઝ એન્કેફેલાઇટીસ વાઇરસ સામે પ્રતિરોધક અસર ધરાવતાં હોવાનું જણાયું છે. ગ્લીસીરીઝીન Candida Albicans નામની ફુગ વિરોધી અસર ધરાવતી હોવાનું પણ એક પ્રયોગ જણાવે છે. આ ઉપરાંત, Bacillus Subtilis, Mycobacterium Tuberoculosis, Staphylococcus aureus, Mycobacterium Smegmatis તથા Aspegillus Spp. વગેરે જીવાણુ તથા અન્ય સુક્ષ્મ જીવો વિરોધી અસર પણ ધરાવે છે.
૫. યકૃતને રક્ષણ આપતી અસર (Hepatoprotective) જેઠીમધમાં રહેલા ફ્લેવોનાઇડ્ઝ તથા ગ્લીસીરીઝીન એન્ટિઓક્સિડન્ટ અસર ધરાવે છે, અને યકૃતનાં કોષોની દિવાલને રક્ષણ આપી શકવાની ક્ષમતા ધરાવે છે.
લેબોરેટરીમાં થયેલાં પ્રયોગો દરમિયાન જેઠીમધમાં રહેલ આ તત્વો કાર્બન ટેટ્રાક્લારાઇડ્સ તથા અન્ય ઝેરી તત્ત્વો સામે યકૃતનું રક્ષણ કરી શકે છે તેમ પુરવાર થયું છે. જેઠીમધમાં રહેલ પ્રભાવી તત્ત્વ ગ્લીસીરીઝીન વીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી લાંબાગાળાનાં કમળા (Chronic Hepatitis)ની સારવાર માટે જાપાનમાં વપરાય છે. ઘણાં બધાં પ્રયોગો (Randomised Cantrolled Trials) નો અભ્યાસ કરીને 1998 માં તૈયાર કરવામાં આવેલા એક અભ્યાસપૂર્ણ લેખમાં જણાવવામાં આવ્યુ છે કે ગ્લીસીરીઝીનની સારવાર કેટલાંક વ્યકિતઓમાં રોગ (Chronic Hepatitis) ઘટાડે છે. ઘણા બધાં પ્રયોગો દર્શાવે છે કે કમળાને કારણે યકૃતની પેશીઓમાં થયેલ નુક્શાનમાં સુધારો લાવે છે, કેટલાંક અભ્યાસ એ પણ દશાર્વે છે કે તે યકૃતની કાર્યક્ષમતા વધારે છે. (In a 1998 review of several randomized controlled trials, researchers reported that treatment with glycyrrihizin is effective in easing liver disease in some people. Several of trials reviewed indicated improvements in liver tissue that had been damaged by hepatitis. Some of them also showed improvements in how well the liver does its job )
અમેરિકન કેન્સર સોસાયટીની ‘કેન્સર’ નામની પ્રતિસ્ઠિત મેડીકલ જર્નલમાં 1997 માં પ્રકાશિત એક અભ્યાસ સૂચવે છે કે ‘હીપેટાઇટીસ સી’ પ્રકારનાં વાઇરસથી થતાં કમળાનાં (Chronic Hepatitis C) દર્દીઓમાં જેઠીમધમાંથી તારવવામાં આવતું તત્ત્વ (Stronger Neominophagen-C-SNMC) આપવાથી યકૃતનાં કેન્સર થવાની શક્યતા ઘટે છે. ‘હીપેટાઇટીસ સી’ પ્રકારનો કમળો એક ખરાબ ચેપી કમળો છે. એમ માનવામાં આવે છે કે અમેરિકામાં ૩૦ લાખ લોકો ‘હીપેટાઇટીસ સી’ પ્રકારનાં કમળાથી પીડાય છે. (ભારતમાં આ રોગ કેટલો વ્યાપક છે તેનો હજી કોઇ ચોક્કસ અંદાજ નથી). ‘હીપેટાઇટીસ સી’ પ્રકારનાં કમળો થયેલ દર્દીઓ પૈકી ૮૫% દર્દીઓમાં આ વાઇરસ યકૃતમાં લાંબા સમય સુધી નુક્શાન કરતો રહે છે. આવા દર્દીઓમાં કેન્સર થવાની શક્યતા પણ વધારે હોય છે.
દીલ્હી સ્થિત ‘ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સીસ’માં કમળાને પરિણામે યકૃત નકામું થઇ જવાનાં (Subacute Hepatic failure) ૧૮ દર્દીઓમાં જેઠીમધમાંથી તારવવામાં આવેલ SNMC નામનું તત્ત્વ લોહીમાં ઇન્જેક્શન દ્વારા આપવામાં આવ્યું. ૧૯૯૩માં થયેલાં આ અભ્યાસ દરમિયાન જણાયુ કે Subacute Hepatic Failure થયેલાં આ પૈકી ૭૨% દર્દીઓ બચી જવા પામ્યા. જ્યારે આ તત્વ આપવામાં આવતું ન હતું ત્યારે આવા દર્દીઓ પૈકી માત્ર ૩૧% દર્દીઓ જ બચતા હતા.
૬. શરીરમાં પાણી તથા ક્ષાર પકડી રાખવાની અસર (MineraloCorticoid Effects) જેઠીમધ લેવાથી શરીરમાં સોડીયમ નામનો ક્ષાર અને પાણી ખેંચાઇ રહે છે. તથા પોટેશિયમ ક્ષાર વધુ પ્રમાણમાં શરીરમાંથી નીકળી જાય છે. જેઠીમધની આ અસર આલ્ડાસ્ટીરોન નામનાં અંત:સ્ત્રાવ જેવી અસર છે.
જેઠીમધનાં ઉપયોગો : જેઠીમધની વિવિધ પ્રકારની ઔષધિય અસરોને ધ્યાનમાં લેતાં તે નીચે મુજબની તકલીફોમાં ઉપયોગી થાય.
- ખાંસી તથા શ્વાસનળીનો સોજો (બ્રોંકાઇટીસ)
- એસિડીટી તથા જઠર અને નાના આંતરડાના અલ્સર
- યકૃતને નુક્શાન થતું અટકાવવા માટે
- કમળો (Viral Hepatitis)
- એલર્જીક તકલીફોની સારવારમાં સોજો ઘટાડવા માટે
- એડીનોકોર્ટીકાઇડ અંત:સ્રાવની ખામી (Adrenercorticoid insufficiency)
ઉપરનાં ઉપયોગો પૈકી ખાંસી, બ્રોન્કાઇટિસ તથા એસિડીટી માટે જેઠીમધનો ઉપયોગ જર્મની સ્થિત ‘કમિશન ઇ’ દ્વારા માન્ય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) જણાવે છે કે ઉપરનાં પૈકી ઘણાં ઉપયોગો કેટલાંક દેશોમાં સિધ્ધ (Well Established) થયેલાં છે. અને તેમનાં અધિકૃત ઔષધ સંગ્રહ (Official Pharmacopeia) માં સ્થાન પામેલાં છે. આ પૈકી કેટલાંક ઉપયોગોને વૈજ્ઞાનિક અભ્યાસોનો આધાર પણ છે. તેમ છતાં સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પધ્ધતિથી પૂરવાર કરી શકવા માટે હજુ વધુ અભ્યાસોની જરૂર છે.
દૈનિક પ્રમાણ : જેઠીમધનાં મૂળનું ચૂર્ણ : દૈનિક ૫ થી ૧૫ ગ્રામ
સાવચેતી અને આડઅસર : જેઠીમધ વધુ પ્રમાણમાં (દૈનિક ૫૦ ગ્રામથી વધુ) લાંબા સમય (૬ અઠવાડિયાથી વધુ) સુધી લેવામાં આવે તો તે શરીરમાંથી પોટેશિયમ ક્ષાર ઘટી શકે, સોડીયમ ક્ષાર વધી શકે, સોજા આવી શકે તથા રક્ત દબાણ (બ્લડપ્રેશર) વધી શકે.
ઊંચા રક્તચાપ(હાઇ બ્લડપ્રેશર)ની તકલીફવાળા દર્દીઓ, મૂત્રપિંડ પૂરતા પ્રમાણમાં કામ ન કરતાં હોય (Chronic Renal Insufficiency) તેવા દર્દીઓ, લીવર સીરોસીસની તકલીફવાળા દર્દીઓ તથા સગર્ભાવસ્થા દરમિયાન જેઠીમધ ન લેવું અથવા સાવધાની પૂર્વક લેવું સલાહ ભર્યુ છે. આ રોગો સાથે જેઠીમધ આપતાં શરીરમાં સોડીયમ ક્ષારો તથા પાણી જમા થવાને કારણે ઊભી થતી તકલીફો વધી શકે. આવા દર્દીઓને જેઠીમધ લેવાની જરૂર ઊભી થાય તો વૈદ્યકિય નિરિક્ષણ હેઠળ જ લેવું જોઇએ. પ્રાણીઓમાં પ્રયોગો દરમિયાન સગર્ભાવસ્થા દરમિયાન જેઠીમધ આપતાં ગર્ભમાં વિકાર (Mutation) આવતા નથી. તેમ સાબિત થયેલું છે. અનુભવી વૈદો જણાવે છે કે સગર્ભાવસ્થા દરમિયાન જેઠીમધનો ઉપયોગ તેઓ વર્ષોથી કરતાં આવ્યા છે.
ફ્રુસેમાઇડ, થાયાઝાઇડ જૂથની મૂત્રલ દવાઓ, ડીગોકસીન, હ્રદયની અનિયમિત ગતિ માટે વપરાતી દવાઓ કે સ્ટીરોઇડ દવા સાથે જેઠીમધ લેવામાં આવે તો શરીર ઉપર થતી આડઅસરની શક્યતા વધી જાય છે. તેથી આવી વ્યક્તિઓએ જેઠીમધ લેવાનું ટાળવું જોઇએ.
Author : ડો. ભરત શાહ
- Chief Medical Officer
- નિસર્ગોપચાર કેન્દ્ર, ગોત્રી, વડોદરા
સંદર્ભ :
- WHO Monographs on Selected Medicinal Plants Vol I , World Health Organization, Geneva, 1999. P.P. 183-194.
- PDR For Herbal Medicines, Second Edition, Medical Economics Company, New Jersey, 2000. PP. 469-474.
- Chaturvedi GN. Some clinical and experimental studies on whole root of Glycyrrhiza Glabra L. (Yastimadhu) in peptic ulcer. Indian Medical Gazette, 1979, 113 :200-205.
- Kassir ZA. Endoscopic controlled trial of four drug regimen in the treatment of chronic duodenal ulceration. Irish Medical journal, 1985, 78 : 153-156.
- Morgan AG, MC Adam WAF, Pacsoo C et al. Comparision between cimetidine and Caved-S in the treatment of gastric ulceratian and subsequent maintenance therapy. Gut 1982; 23 : 545-551.
- Sato H, Goto W, Yamamure J et al. Therapeutic Basis of Glycyrrhizin on chronic hepatitis B. Antiviral Res 1996 May; 30(2-3) : 171-177.
- Utsunomiya T, Kobayashi M et al. Glycyrrhizin, an active component of licorice roots, reduces morbidity and mortality of mice infected with lethal doses of influenza virus. Antimicrob Agents Chemother 1997; 41(3) : 551-556.
- Ito M, Nakashima H et al. Inhibitory Effect of Glycyrrhizin on the in vitro Infectivity and cytopathic activity of the human immunodeficiency virus [HIV (HTLV-III/LAV )]. Antiviral Res, 1987; 7 : 127-137.
- Badam L. In vitro antiviral activity of Indegenous Glycyrrhizin, Licorice and Glycyrrhizic acid (sigma) on Japanese Encephalitis Virus. J Commun Dis 1997 June; 29(2) : 91-99.
- Utsunomiya T, Kobayashi M, Herndon DN et al. Effects of Glycyrrhizin, an active component of licorice roots, on Candida Albicans infection in thermally injured mice, Clin Exp Immunol 1999 May; 116(2) : 291-298.
- Sabahi T et al, Screening of plants from the southeast of Iran for antimicrobial activity. International journal of crude drug research, 1987, 25 : 72-76.
- Grange JM, Davey RW. Detection of antituberculous activity in plant extracts. Journal of applied bacteriology. 1990, 68 : 587-591.
- Mitscher LA et al, Antimicrobial agents from higher Plants. Antimicrobial isoflavonoids and related substances from Glycyrrhiza glabra L. var typica. Journal of natural products, 1980, 43 : 259-269.
- Van Rossum TG, Vulto AG et al. Review article : Glycyrrhizin as a potential treatment for chronic Hepatitis C. Alimentary Pharmacology and Therapeutics 1998, 12 (3) : 199-205.
- Yasuji A et al. The long term Efficacy of Glycyerrhizin in Chronic Hepatitis C patients . Cancer 1997; 79 : 1494-1500.
- Acharya SK etal . A preliminary open trial on interferon stimulator (SNMC) derived from Glycyrrhiza glabra in the treatment of Subacute Hepatic Failure. Indian J Med Rs, 1993, Apr; 98 : 69-74.
- Indian Herbal Pharmacopoeia Vol. I; RRL, CSIR, Jammu & IDMA, Mumbai; 1998 ; P.P. : 89-98.