ઉનાળો આવે અને મોટેરાઓ ડુંગળીના ગુણગાન ગાવા માંડે. પરંપરાગત રીતે ડુંગળી વિવિધ રોગો માટે વપરાતી આવી છે. એમ કહેવાય છે કે ઉનાળામાં ડુંગળીનો ઉપયોગ છૂટથી કરવામાં આવે તો તાપ સહન કરવાની શક્તિ વધે છે અને લૂ લાગતી નથી. કચ્છ જેવા રણ પ્રદેશમાં ઉનાળામાં સખત તાપથી બચવા માથાની ટોપી નીચે ડુંગળી છૂંદીને મૂકવાનો રિવાજ હજી આજે પણ કયાંક-કયાંક સચવાઇ રહેલો જોવા મળશે.
આયુર્વેદના નિષ્ણાતો ડુંગળીના ઔષધિય ગુણો ગાતા થાકતા નથી. ડુંગળી જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર તથા બળવર્ધક ગણાયું છે. ઘા રૂઝવવા માટે, હડકાયાં પશુનાં કરડવાથી થયેલા ઘા ઉપર લગાડવા માટે, ઝેરી જીવ-જંતુઓના ડંખની વેદના, શાંત કરવા માટે, કાનના દુખાવા માટે, ખાંસી તથા દમ માટે, ઝાડા માટે, નાકમાંથી લોહી પડતું હોય તો અટકાવવા માટે, હરસમાં લોહી પડતું અટકાવવા માટે, હેડકી બંધ કરવા માટે, માંદગીમાંથી ઊઠ્યા પછી આવતી અશક્તિ દૂર કરવા માટે તથા હ્રદય-દોર્બલ્ય દૂર કરવા માટે ડુંગળી ઉપયોગી હોવાનું માનવામાં આવે છે. ચરક અને સુશ્રુત સંહિતાઓમાં ડુંગળીને બુધ્ધિવર્ધક પણ ગણવામાં આવી છે. ડુંગળીનાં આવા અનેકવિધ ઉપયોગોને કારણે જ તેને ગરીબોની કસ્તૂરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ડુંગળી ઉપર થયેલા વૈજ્ઞાનિક અભ્યાસનું તારણ : ડુંગળીના અનેકવિધ ગુણોને ધ્યાનમાં લઇ તેના ઔષધિય ગુણો ચકાસવા માટે આધુનિક વિજ્ઞાનની પધ્ધતિથી ઘણા અભ્યાસ થયેલાં જોવા મળે છે. આ અભ્યાસનું તારણ નીચે મુજબ છે :
- જીવાણુઓ (બેક્ટેરીયા) તથા અન્ય રોગાણુઓ સામે રક્ષણ : ડુંગળીમાં રહેલ થાયોસલ્ફીનેટ નામનું તત્ત્વ જીવાણુ પ્રતિરોધક (એન્ટિ બેક્ટેરિયલ) અસર ધરાવે છે. લેબોરેટરીમાં થયેલા પ્રયોગો દર્શાવે છે કે ડુંગળીનો રસ E.Coli, Pseudomonas aeruginosa, Salmonella typhi, Staphyllococcus aureus વગેરે જેવી ફૂગનો નાશ કરી શકે છે. ઉપર જણાવેલા રોગાણુઓ ઝાડા-મરડો, ટાઇફોઇડ જેવા પાચનતંત્રના ચેપ તથા શ્ર્વસનતંત્ર, ઉત્સર્ગતંત્ર, પ્રજનનતંત્ર અને અન્ય અંગોના ચેપી રોગો માટે જવાબદાર છે.
- હૃદયરોગ તથા લોહીનાં દબાણ (બ્લડ પ્રેશર) ઉપર અસર : પ્રાણીઓ તથા માનવ સ્વયંસેવકો (Human Volunteers) પર થયેલા પ્રયોગો દર્શાવે છે કે ડુંગળી કોલેસ્ટેરોલ ઘટાડવામાં તથા ત્રાકકણોનાં ગંઠાવાની પ્રક્રિયા (Platelet aggregation) અટકાવવા માટે ઉપયોગી છે. ડુંગળીમાં રહેલ ડાઇમીથાઇલ થાયોસલ્ફીનેટ તથા ડાઇફીનાઇલ થાયોસલ્ફીનેટ નામનું તત્ત્વ ત્રાકકણ ઉપર અસર કરે છે. આ ઉપરાંત ઉંમર વધવાની સાથે લોહીની નસોમાં આવતાં બરડપણાને (આર્ટીરીયોસ્કેલોસીસ) અને તેથી લોહીના ઊંચાં દબાણ (હાઇ બ્લડપ્રેશર) ને આવતું ડુંગળી અટકાવે છે.
- ડાયાબીટીસ ઉપર અસર : ડાયાબીટીસના દર્દીઓને ડુંગળી આપવાથી લોહીની શર્કરાનાં પ્રમાણમાં ઘટાડો થયો નોંધવામાં આવ્યો. અન્ય એક રસપ્રદ પ્રયોગ દરમિયાન ઇન્સ્યુલીન જરૂરી ન હોય તેવાં ડાયાબીટીસ (નોન ઇન્સ્યુલીન ડીપેન્ડન્ટ ડાયાબીટીસ મેલીટસ) ના દર્દીઓના રોજીંદા ખોરાકમાં ડુંગળી ઉમેરવાથી તેમની ડાયાબીટીસ નિયંત્રણ રાખવા માટે જરૂરી દવાઓનો ડોઝ પણ ઘટાડી શકાયો.
- એલર્જી-પ્રતિરોધક તથા અન્ય અસરો : પ્રાણીઓ તથા માનવ સ્વયંસેવકો પર થયેલાં પ્રયોગો દર્શાવે છે કે એલર્જીને કારણે થતા દમ તથા કેટલીક પ્રકારની ચામડીની એલર્જીક તકલીફો ઉપર ડુંગળી ઉપયોગી છે. આ ઉપરાંત ઘા રૂઝવવા માટે, જખમને કારણે ચામડી પર પડેલ ડાઘ (Scar) તથા તેમાં થતી ગાંઠો (Keloid) ની સારવાર માટે પણ ડુંગળી ઉપયોગી છે.
વૈદ્યકિય સારવારમાં ડુંગળી : જર્મન રેગ્યુલેટરી ઓથોરીટીની વનસ્પતિ ઔષધોનાં નિયંત્રણ માટેની સંસ્થા ‘‘કમિશન ઇ” (Commission E) તરીકે ઓળખાય છે. વનસ્પતિ ઔષધો ઉપર થયેલ સંશોધનોનો ઊંડાણથી અભ્યાસ કરી તે વિવિધ વનસ્પતિ ઔષધોની ઉપયોગિતા વિશે પોતાનાં તારણો બહાર પાડે છે. વનસ્પતિ ઔષધ ક્ષેત્રે “કમિશન ઇ” નાં તારણો ખૂબ ઊંચું મૂલ્ય ધરાવે છે. ‘‘કમિશન ઇ” નીચે દર્શાવેલ તકલીફો માટે ડુંગળીની ઔષધિય ઉપયોગિતા માન્ય કરે છે.
- ભૂખ ન લાગવી.
- ઉંમર વધવા સાથે લોહીની નસોમાં થતી બરડપણાની તકલીફ (આર્ટીરીયોસ્કેલરોસીસ)
- અપચો, અર્જીણ.
- શરદી-તાવ
- ખાંસી-બ્રોન્કાઇટીસ (શ્વાસ નળીનો સોજો)
- લોહીનું ઊંચું દબાણ (હાઇ બ્લડપ્રેશર)
- વારે-વારે ચેપ લાગવો (Tendency of Infection)
- મોં અને ગળામાં સોજો આવવો
- સામાન્ય શરદી
વનસ્પતિ ઔષધો પર થયેલાં સંશોધનોનો અભ્યાસ કરી વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) એ કેટલીક વનસ્પતિ ઔષધો ઉપર વિગતે માહિતી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘‘WHO Monograph on selected Medicinal Plants ’’ માં નીચે મુજબની તકલીફો માટે ડુંગળીની ઉપયોગિતા દર્શાવવામાં આવી છે.
- ઊંમર વધવા સાથે લોહીની નસોમાં આવતાં બરડપણાને અટકાવવા માટે
- ભૂખ ન લાગવી
- જીવાણુઓથી થતા મરડા જેવા ચેપી રોગો માટે
- મૂત્ર વધારનાર (ડાયુરેટીક) તત્ત્વ તરીકે
- ઘા, વ્રણ, જખમને પરિણામે ચામડી પર રહી જતી કાયમી નિશાની (Scar) તથા જખમ રૂઝાયા બાદ તેનાં પર થતી ગાંઠો (Keloid) ની સારવાર માટે
- દમ
- ડાયાબીટીસની સારવારમાં ઉપયોગી તત્ત્વ (As adjuvant therapy in treatment of Diabetes Mellitus)
ઉપયોગ નં. ૩ થી ૭ માટે W.H.O. જણાવે છે કે આ પૈકી ઘણાં ઉપયોગો કેટલાંક દેશોમાં સિદ્ધ (Well established) થયેલાં છે અને તેમનાં અધિકૃત ઔષધસંગ્રહ (Official Pharmocopoeia) માં સ્થાન પામેલાં છે. તેમ છતાં વૈજ્ઞાનિક પધ્ધતિથી સંપૂર્ણપણે પૂરવાર કરવા માટે હજુ વધુ અભ્યાસોની જરૂર છે. આ પૈકી કેટલાંક ઉપયોગોને વૈજ્ઞાનિક અભ્યાસોનો આધાર પણ છે.
ઉપરની માહિતી સ્પષ્ટપણે જણાવે છે કે ભૂખ ન લાગવી, અપચો, અર્જીણ જેવી તકલીફોમાં; શરદી-તાવ, ખાંસી, શ્વાસનળીનો સોજો (બ્રોન્કાઇટીસ), મોં તથા ગળાનો સોજો તથા ઝાડા-મરડા જેવા ચેપી રોગોમાં ડુંગળી ઉપયોગી છે. ડુંગળીનું નિયમિત સેવન ઊંચું રક્ત દબાણ (હાઇ બ્લડપ્રેશર) તથા ચેપી રોગોને આવતા અટકાવે છે, તે ઉપરાંત તે હ્રદયરોગ, ડાયાબિટીસ, દમ જેવા લાંબા ગાળાના રોગોની સારવારમાં પણ ફાયદાકારક છે. ઘા, વ્રણ, જખમની નિશાની-ડાઘ (Scar) તથા જખમની જગ્યાએ થતી ગાંઠો (Keloid) ની સારવાર માટે છૂંદેલી ડુંગળી અથવા તેના રસનો લેપ ઉપયોગી થઇ શકે.
ડુંગળીથી ગરમી સહન કરવાની શક્તિ વધે છે કે કેમ તે અંગે કોઇ સંશોધન થયું હોય તેવું ધ્યાનમાં નથી. આ પ્રકારનાં સંશોધનો ખૂબ મુશ્કેલ હોય છે. તેથી શક્ય છે કે આ અંગે કોઇ અભ્યાસ હજુ સુધી થયો ન હોય.
દૈનિક પ્રમાણ અને આડઅસર : વિશ્વના વિવિધ લોકસમૂહો દ્વારા સેંકડો વર્ષોથી ખોરાકનાં ભાગ તરીકે ડુંગળીનો ઉપયોગ થતો આવ્યો છે. તેના વ્યાપક ઉપયોગ સાથે તેની ખાસ કોઇ આડ અસર હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. બાળકો, મોટેરા, સગર્ભા તથા ધાત્રી બહેનોમાં પણ ડુંગળી લેવાથી કોઇ આડઅસર થતી હોય તેવા અહેવાલ નથી. ડુંગળી જનીનિક બંધારણમાં ફેરફાર (Mutation) કરે છે કે કેમ તે અંગે લેબોરેટરીમાં થયેલા પ્રયોગોએ પણ આવી શકયતા નકારી કાઢી છે. આયુર્વેદના નિષ્ણાતો ડુંગળીનો છૂટથી ઉપયોગ કરવા જણાવે છે. વનસ્પતિ ઔષધો પરનાં આધુનિક પુસ્તકો ડુંગળીનું દૈનિક પ્રમાણ ૫૦ ગ્રામ સૂચવે છે. અહીં ધ્યાન રાખવું જરૂરી છે કે ખૂબ વધુ પડતાં પ્રમાણમાં ડુંગળી લેવામાં આવે તો પેટની તકલીફો કરી શકે.
Author : Dr. Bharat Shah
Chief Medical Officer
નિસર્ગોપચાર કેન્દ્ર, ગોત્રી, વડોદરા
સંદર્ભ :
- WHO Monographs on Selected Medicinal Plants, Vol. I , World Health Organization, Geneva, 1999. P.P. : 5-15.
- PDR for Herbal Medicines, Second Edition. Medical Economics Company, New Jersey, 2000. P.P. : 557-59.
- Jain RC, Vyas CR, Mahatma OP. Hypoglyccmic action of onion and Garlic, Lancet, 1973, ii : 1491.
- Sharma KK etal. Antihyperglycemic effect of Onion : Effect on fasting Blood Sugar and induced hyperglycemia in man. Indian journal of medical research, 1977, 65 : 422-429.
- Bhushan S etal. effect of oral administration of raw onion on glucose tolerance test of diabetes : a
comparison with tolbutamide. Current medical practice, 1984, 28 : 712-715. - નિઘંટુ આદર્શ. વૈદ્ય બાપાલાલભાઇ ગ. શાહ. 1928
- વાડી વાડીનાં ઓસડીયાં – વૈદ્ય બાપાલાલભાઇ ગ. શાહ , 1972